Estimated reading time: 4 minutes
YUGEN REALTY, SURAT
‘લોકજીવન’ પખવાડિકમાં સુમંત દેસાઈએ એક નાનકડી વાર્તા લખી છે. વાર્તા આ પ્રમાણે છે:
“એક માણસનું જીવવું ઝેર થઈ ગયું. આશાનું એક નાનકડું કિરણ પણ ક્યાંય નજરે ચડતું નહોતું. એને થયું કે આ જીવનનો અંત લાવ્યે જ છૂટકો. શહેરની વચ્ચેથી રેલવે પસાર થાય ત્યાં જઈને, ગાડી આવે ત્યારે પાટા પર પડતું મૂકવાનું તેણે નક્કી કર્યું
પણ ઘેરથી નીકળતાં બીજો પણ એક સંકલ્પ તેણે કર્યો કે રસ્તામાં જે માણસો મળે તેમાંથી એકાદ પણ જો એના તરફ જોઈને જરાક સ્મિત કરે, એ સ્મિત વડે એના અંતરમાં લગીર હૂંફ પ્રગટાવે, તો મરવાની યોજના પડતી મૂકીને ઘેર પાછા ફરી જવું
…હવે એ વાતને ત્યાં રાખીએ. એ માણસનું પછી શું થયું, જવા દઈએ. પણ એક સવાલ થાય છે : એ માણસ ઘેરથી નીકળ્યો પછી, રસ્તામાં કદાચ તમે જ એને સામા મળ્યા હોત તો? – બોલો, એનું શું થાત? ત્યાંથી ઘેર પાછા ફરવાનું કારણ તમે તેને આપી શક્યા હોત? જરા વિચારી જોજો!”
વાંચતાં જ વિચારે ચડી જવાય એવી આ વાર્તા છે. કેટલાક માણસો હંમેશ માટે તંગ ચહેરો લઈને ફરતા જોવા મળે છે. દુનિયાનો બધો જ ભાર જાણે એમના માથે. દુઃખી થવાનાં કારણો શોધતા ફરતા માણસો બીજાને મળે ત્યારે બીજાને પણ જાણે-અજાણે દુઃખના કાદવમાં ખરડતા હોય છે. કોઈના બેસણામાંથી જાણે હમણાં જ ઊઠીને આવ્યા હોય એમ આવા માણસોને ઉદાસી કોઠે પડી ગયેલી હોય છે. દુઃખ કે પ્રશ્નો, તકલીફો કે સંઘર્ષ કોના જીવનમાં નથી ? કપરા સંજોગો કોની સામે નથી આવ્યા ? પણ સતત એના જ વિચારોમાં ખોવાયેલા રહેવું એ સ્વસ્થ મનુષ્યનું લક્ષ્ય નથી. દુ:ખના સમયને વાગોળ્યા કરવાથી એનો રંગ, ઘેરો-ગાઢ બની જાય છે. સતત દુ:ખ વિશે વિચાર્યા કરવાથી હતાશા અને થાક અનુભવાય છે. ધીમે ધીમે પછી એ સ્વભાવ બની જાય છે. ભગવાન બુદ્ધને તેમના એક શિષ્યે પ્રશ્ન પૂછ્યો : ‘ભગવાન, મનુષ્ય દુઃખી કેમ છે ?’ શિષ્યને જવાબ આપતાં બુદ્ધે કહ્યું હતું : ‘મનુષ્ય દુઃખી એટલે છે કારણ કે તેને દુઃખી રહેવું છે.’ જેને દુઃખી રહેવું છે એને કોઈ સુખી કરી શકતું નથી. દુઃખી માણસ જ્યારે અન્યને મળે છે ત્યારે એ અન્યને પણ પોતાની ઉદાસી ઓઢાડે છે. તમે સતત તમારાં દુઃખોનાં જ ગીતો ગાતા રહો તો સામા માણસને કંટાળો આવે છે. ધીમે ધીમે બીજો માણસ તમારાથી વિમુખ થઈ જાય છે. દુઃખ તો ઘટતું – જતું નથી પણ એક સારો સંબંધ ગુમાવવાનો વારો આવે છે. દુઃખી થવાથી સંજોગો બદલાવાના નથી. સંજોગો – સમસ્યાઓ બદલવા માટે નિરાશાને ખંખેરી સંજોગ – સમસ્યાની નિરપેક્ષ રીતે મૂલવણી કરવી જોઈએ. આપણી અપેક્ષા, ઇચ્છા, ગમા-અણગમા, પૂર્વગ્રહને છોડી તાટસ્થ્ય કેળવવું જોઈએ. દુઃખને એન્લાર્જ નહીં કરવાનું, દુઃખનાં ઢોલનગારાં નહિ વગાડવાના. કેટલાંક લોકોને દુ:ખ કોઠે પડી ગયું હોય છે. દુઃખનું ગીત બનાવી ગાતા શીખવાનું. દુઃખના અડાબીડ જંગલમાંથી સુખની કેડી શોધી કાઢવાની. દુઃખના કેદખાનામાં પૂરાઈ રહેવું એ તો નરી મૂર્ખતા છે. લાગણીઓ અને માગણીઓને સમજતાં આવડશે તો જીવનમાંથી દુઃખની અવશ્ય બાદબાકી થઈ શકશે. દુઃખ તો ઠૂંઠા વૃક્ષ જેવું છે. એ છાંયડો આપતું નથી. એના પર પક્ષીઓ બેસતાં નથી, ગીતો ગાતાં નથી. જીવનને કલશોર ભરેલું વૃક્ષ બનાવવા માટે અંદર પ્રસન્નતા અને ચહેરા પર સ્મિત અનિવાર્ય છે.
કવિ નિરંજન ભગતની કાવ્યપંક્તિને આત્મસાત્ કરવા જેવી છે :
“ચાલ ફરીએ,
માર્ગમાં જે જે મળે તેને
હ્રદયનું વહાલ ધરીએ.”
“એમસર્ન નામના વિદ્વાનનું વિધાન મમળાવ્યા કરવા જેવું છે : “સુખ એક એવું અત્તર છે કે એ જેટલું બીજા પર છાંટશો તેટલી વધુ સુવાસ તમને મળશે.”
સમયના પ્રવાસમાં છેલ્લો મુકામ આવે ત્યાં સુધી હસતા રહેવું, આપણાં ચહેરા પરનું સ્મિત બીજાનો ભાર હળવો કરશે અને થોડોક ભાર આપણો ય હળવો કરશે. પૃથ્વી પરનાં બધાં પ્રાણીઓમાં કેવળ મનુષ્ય જ એક એવું પ્રાણી છે કે જે હસી શકે છે. હસવું, ચહેરા પર સ્મિતનું આસન રાખવું અને મનુષ્ય હોવાનો પુરાવો આપતા રહેવું. મંદિરની ધજાની માફક ચહેરા પર સ્મિત ફરફરતું રાખવાની અપેક્ષા અસ્થાને નથી. એક કવિએ લખ્યું છે :
“દુશ્મનો હથિયાર હેઠા ફેંકશે
મ્યાનમાંથી કાઢશે તું સ્મિત જો.”
હસીએ, હસતા રહીએ અને બીજાનાં દિલમાં વસતા રહીએ. સ્મિતને બારેમાસ ખીલતાં પુષ્પની જેમ આપણાં ચહેરા પર હંમેશ ખીલવા દઈએ. આપણું હસવું આપણને તો ફાયદો કરે છે પણ ક્યારેક બીજાને પણ એના દુઃખની દવા સાબિત થાય છે. પ્રસન્નચિત્ત માણસની આસપાસ એક ખુશનુમા વાતાવરણ રચાયેલું રહે છે. આપણે પ્રસન્નચિત્ત રહીએ અને સૌને પ્રસન્નચિત્ત રાખીએ એવી અપેક્ષા રાખીએ.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.
યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | LINKEDIN | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE

















