Estimated reading time: 4 minutes
YUGEN REALTY, SURAT
આજે, માનવી પાસે પૈસા હોય કે ન હોય, દરેકને કોઈને કોઇ રીતે તકલીફ છે, બેચેની છે. કોઇ આર્થિક કારણોથી પીડાઈ રહ્યો છે, તો કોઇ માનસિક તણાવમાં જીવી રહ્યો છે.
આનું મુખ્ય કારણ એ છે કે આપણે અનાવશ્યક વસ્તુઓની પાછળ દોડીએ છીએ, જેની જીવનમાં ખરેખર કોઇ જરૂર નથી. એ વસ્તુ હોય તો ઠીક અને ના હોય તો પણ ઠીક એના વગર જીવન અટકતું નથી.
મનુષ્યને પોતાના જીવનમાં શું મહત્વપૂર્ણ છે તે સમજવું પડશે. જેમ શરીરમાં બિનજરૂરી પદાર્થો દાખલ થાય તો શરીર રોગી બને, તેમ મનને પણ અનાવશ્યક વસ્તુઓની પાછળ દોડાવવાથી પીડા ઉત્પન્ન થાય છે અને દુઃખ અનુભવાય છે.
જીવનમાં સુખ અને શાંતિ માટે અનાવશ્યક વસ્તુઓને ટાળવી જરૂરી છે. આજના સમયમાં પૈસા સુખ-સુવિધા માટે જરૂરી છે, પરંતુ પૈસાને જ જીવનનું કેન્દ્ર બનાવવું ખોટું છે.
જીવનના અનુભવોથી જે સમજાયું તેના પરથી મેં ઘણા વર્ષો પહેલાં એક સૂત્ર આપ્યું હતું :
“Money is needed for life, but life is not for money. Life is a celebration and gift from God!”
“પૈસા જીવન માટે જરૂરી છે, પણ પૈસા જ જીવનનું કેન્દ્ર નથી. જીવન એક ઉત્સવ છે અને ઈશ્વરનો આપેલો અમૂલ્ય ઉપહાર છે.”
સાચું સુખ પ્રેમ, માનવતા અને વાસ્તવિકતાને સ્વીકારવામાં છે, ન કે માત્ર સુવિધાઓમાં, આપણી જીવનની ખરેખર કેટલી જરૂરિયાતો છે એને સમજવી અને સંતુલન બનાવવું એ સુખ-શાંતિનું રહસ્ય છે.
દુઃખનું કારણ : ઈચ્છાઓ અને આવશ્યકતાઓનો ભેદ
પ્રત્યેક વ્યક્તિએ જીવન જીવવા માટે આવશ્યક વસ્તુઓ જેમ કે રોટી, કપડાં, મકાન, સ્વાસ્થ્ય અને શિક્ષણએ મૂળભૂત જરૂરીયાતને સમજીને તેની મહત્વની જરૂરીયાતો પારખી શકે છે અને તેમાં જો સંતોષ રાખીયે, તો જીવન સરળ અને સુખમય બની શકે છે.
પરંતુ, જ્યારે આપણે ફોરેન ટૂર, મહેલો, ફાર્મ હાઉસ, મર્સીડીઝ કાર કે બિઝનેસ ક્લાસમાં મુસાફરી જેવી અનેક અનાવશ્યક લક્ઝરી વસ્તુઓ પાછળ દોડીએ છીએ, અને એ જ્યારે પ્રાપ્ત ન થાય ત્યારે જીવનમાં દુઃખ અને પીડાની શરૂઆત થાય છે.
સુખી થવા માટે, જે આપણી પાસે નથી તેના માટે સકારાત્મક, પ્રામાણિક અને સહજ પ્રયાસ કરવો જરૂરી, પ્રયાસના અંતે જે પ્રાપ્ત થાય એમાં પ્રભુની એ જ ઇચ્છા હશે, તેમ સમજીને રાજી રહેવું જોઈએ. આવા વિચારોથી સુખની અનુભૂતિ થઇ શકે છે અને એ જ સુખની ચાવી છે.
ઈચ્છાઓ જ્યારે આવશ્યકતાઓ અને જરૂરિયાતો બનવા લાગે ત્યારે ગમે તેટલું ધન-સંપત્તિ હોય તે પણ ઓછું પડે છે. ગમે તેટલી સુવિધાઓ, પદ, પ્રતિષ્ઠા, માન, સન્માન ઓછા પડે છે. કારણ કે ઈચ્છા અંતહીન છે, જે પૂરી ના થાય એની નામ ઈચ્છા છે.
સહજ જીવનનો સુર
મનુષ્ય ત્યારે જ પોતાના જીવનમાં પરમ આનંદનો અનુભવ કરી શકે છે, જ્યારે તે પોતાની જાતને સ્વીકારીને પરિસ્થિતિઓ સાથે તાલમેલ બેસાડવાની કળાને જાણે તો પશુ-પંખી કે દરેક જીવ, જળ, થળ કે ગગનમાં સહજ જીવન જીવે જ છે.
મનુષ્ય એકમાત્ર છે જે દુઃખી છે, કેમ કે તે પ્રકૃતિ વિરુદ્ધ જીવન જીવે છે. સહજ રીતે પ્રકૃતિને સમજતો નથી અને સમજવાનો પ્રયાસ પણ કરતો નથી. અસ્તિત્વના અફર નિયમને પણ સમજતો નથી, એ જ કારણ છે.
“જો કોઇ વ્યક્તિ પોતે પોતાની જાત સાથે ખુશ રહી શકે,
તો તે બીજા સાથે પણ ખુશ રહી શકે.
પણ, જો તેને પોતાની સાથે ખુશ નથી,
તો બીજાના સાથે પણ ખુશ નહીં રહી શકે.”
સિમ્પલ એટલું જ છે કે જે કોઇ પરિસ્થિતિ છે એની સાથે તાલમેલ બનાવી સદા ઈશ્વરનો ધન્યવાદ કરવાથી જીવનમાં સુખ પ્રગટ થાય છે. ઓશોએ એક સુંદર વાત કહી છે.
दुख तभी मालूम पड़ता है
जब परिस्थिति को अस्वीकार करते हो.
दुख में दर्द नहीं वह दर्द तुम्हारे अस्वीकार में हैं।
ऐसा नहीं करना था,
या ऐसा नहीं होना चाहिए था,
तुम्हारी असल पीड़ा इसी अस्वीकार से हे.
स्वीकार में सुख है, अस्वीकार में दुख ।
– ઓશો
સુખ સમજણ વિના નહીં જીવને
ઓશો કહે છે કે રામાયણનો સાર સમજદાર માટે એટલો જ છે કે,
“જે નથી એની પાછળ ભાગશો,
તો જે છે એ પણ ખોઈ બેસસો,
જે છે, તેનો આનંદ લેવો હોય તો
જે નથી તેની વાસના ના કરો.”
અને જે છે એનો આનંદ લો, વર્તમાન એ જ સુખ-શાંતિ અને આનંદની ચાવી છે. સમજણનો અભાવ જ દુઃખ છે અને સમજણ જ સુખ છે. ગમે તેટલી સંપત્તિ હોય અથવા મળી જાય પણ સમજણ ના હોય તો એ જ વિપત્તિ બની જાય, પૈસા જ પીડા બની જાય, સમાજમાં આવા ઘણા ઉદાહરણ જોવા મળે છે. ધન પ્રારબ્ધમાં હોય તો મળે, પણ ભોગવવાની કલા ઈશ્વર કૃપા હોય તો જ આવે.
“સમજણ હોય તો ઝૂંપડી પણ મહેલ લાગે, અને નહિતર મહેલમાં રહીને પણ નરકનો અનુભવ થાય.”
આજે સમાજમાં મોટી ભ્રમણા એ ફેલાઈ છે કે ભૂલથી સુવિધા (સગવડતા)ને સુખ સમજી બેઠા છીએ. સુવિધાઓ સારી જ છે, સહજ રીતે પ્રાપ્ત થાય તો જીવન જીવવામાં અને સુખમાં સહાયક છે.
એનો કોઈ વિરોધ નથી, પણ આપણા સુખ અને શાંતિ કે, પરિવાર કે પ્રામાણિક્તાના અથવા સ્વાસ્થ્યના ભોગે નહીં.
સમજણપૂર્વક જીવન જીવવાની કલા એ કે ધર્મ છે. એ કલા આપણા સૌના જીવનમાં આવે. સમજણનો વિકાસ થાય, આપણા સૌનું જીવન ઉત્સવ બને એ જ પ્રાર્થના. “સૌનું જીવન મંગલમય બને!”
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.
યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | LINKEDIN | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE













