Yugen Coffee Table Book Banner
Home Featured Vishesh પુસ્તકોનું મૂલ્ય રત્ન કરતાં પણ વધુ અમૂલ્ય છે. રત્નો તો બાહય ચમકદમક...

પુસ્તકોનું મૂલ્ય રત્ન કરતાં પણ વધુ અમૂલ્ય છે. રત્નો તો બાહય ચમકદમક દેખાડે છે, જયારે પુસ્તકો અંતઃકરણને ઉજ્જવળ બનાવે છે – ગાંધીજી

મોલ્ડ જીવન વાંચન. ખોરાકની જેમ, તે મન અને હૃદયને મોહિત કરે છે. દર ચંદ્રકાંત કૃપા પુસ્તકાલયોને શાંતિના અભયારણ્ય તરીકે આપે છે

Estimated reading time: 4 minutes

YUGEN REALTY, SURAT

ઈન્ટરનેટ અને એસ.એમ.એસ.માં વ્યસ્ત રહેતી, કાઈનેટીક અને બાઈક પર કારણ વગર ભટકતી, ‘કયોંકી સાસ ભી કભી બહુ થી’ કે ‘કસોટી જિંદગી કી’ જેવી અનેક વાહિયાત ટી.વી. સિરિયલો પાછળ બુદ્ધિ ઘસી સમય વેડફતી પ્રજાને પુસ્તકપ્રેમ, વાંચનભૂખ શું છે એ કદાચ નહીં સમજાય. માણસે શા માટે વાંચવું જોઈએ ? એવો વાહિયાત પ્રશ્ન એમનાં મનમાં જન્મે તે સ્વાભાવિક છે. જેની જાત કેન્દ્રમાંથી ખસી ગઈ હોય તેને આ અને આવા બીજા પ્રશ્નો થવાના જ. ટી.વી. એ જે ચૈતસિક પ્રદૂષણ ફેલાવ્યું છે એની ગંભીર અસરોથી હજી આપણે અજાણ છીએ. જાણીશું ત્યારે બહુ મોડુ થઈ ગયું હશે. ગુજરાતી ભાષાના જાણીતા શાયર (જેઓ વલ્લભ વિદ્યાનગરની એચ.એમ. પટેલ બી. એડ્. કોલેજમાં અધ્યાપક હતા  હાલ ઈગ્લેન્ડમાં) ડૉ. આદમ ઘોડીવાળાનું ઓબ્ઝર્વેશન અંકે કરવા જેવું છે. તેઓ લખે છે : “જીવશાસ્ત્રની પરિભાષામાં જીવતા મોટાભાગના માણસો દર્શનશાસ્ત્રની પરિભાષામાં મરેલા છે.” જેની પાસે ભાવસમૃદ્ધિ નથી, જેની પાસે વિચારસમૃદ્ધિ નથી એવી વ્યક્તિને ‘માણસ’ની વ્યાખ્યામાં મૂકતા પહેલાં સો વાર વિચારવું જોઈએ. આ ભાવસમૃદ્ધિ કે વિચારસમૃદ્ધિ કેળવવાનું સબળ-સક્ષમ માધ્યમ ઉત્તમ પુસ્તકોનું વાંચન છે. માનવ ચેતનાને સંકોરવામાં, પ્રજ્વલિત રાખવામાં પુસ્તકોનું બહુમૂલ્ય પ્રદાન છે. વિશ્વની ક્ષિતિજ પર દ્રષ્ટિ  દોડાવીશું તો એવી અનેક વ્યક્તિઓના દ્રષ્ટાંતો મળશે. જેમણે ઉત્તમ પુસ્તકોનાં વાંચનથી પોતાનાં જીવનના નવા યુગનો આરંભ કર્યો હોય. માણસને કેળવવાનું અને ધૂમ્મસભર્યા વાતાવરણમાં તેને રાહ ચીંધવાનું કામ પુસ્તકો કરે છે. પુસ્તકો એવા મિત્રો છે,  જે અઘરાં અને કપરાં સમયમાં પણ આપણો સાથ નિભાવે છે, આપણને હૂંફ પૂરી પાડે છે, આપણને પ્રેરણા આપે છે. દુનિયાને જોવાની અને જાતને ઓળખવાની દ્રષ્ટિ વાંચનથી પ્રાપ્ત થાય છે. પશ્ચિમના એક વિદ્વાને કહ્યું હતું, ‘મને પુસ્તકો આપો, મને પાંખો આપો.’ પુસ્તકના બે પૂંઠા વચ્ચે એક આખું વિશ્વ હોય છે. ફેનેલન નામના વિદ્વાને કહ્યું હતું કે: જો મારાં પુસ્તકો અને વાચનપ્રેમના બદલામાં સમસ્ત મહારાજ્યોનો મુકુટ મારા પગ આગળ મૂકવામાં આવે તો હું તે સર્વે મુકુટોને લાત મારી ફેંકી દઉં ! ગિજુભાઈ બધેકાએ ઉચિત રીતે જ કહ્યું છે, “પુસ્તક સ્વતઃ શિક્ષાગુરુ છે અને પુસ્તકાલય એ શાળા છે. પુસ્તકાલયરૂપી શાળા ગામેગામ અને લત્તે લત્તે સ્થપાવી જોઈએ.‘ પુસ્તકાલય એટલે જ્ઞાનની પરબ. પુસ્તકાલય માત્ર ઈટ-ચૂનાની ઈમારત નથી. અનેક અનેક ભાવજગત-ભાવનાજગત- વિચારજગતનું પ્રવેશદ્વાર છે. વ્યાસ અને વાલ્મીકિ, નરસિંહ કે મીરાં, કાલિદાસ અને ભવભૂતિ, પ્લેટો અને એરિસ્ટોટલ, શેકસ્પિઅર કે ફોઈડ, સ્વીન્દ્રનાથ કે શરદચંદ્ર, શહાદત હસન મન્ટો કે સાહિર લુધિયાનવી, અમૃતા પ્રિતમ કે ઓશો રજનીશ, સુરેશ જોષી કે ઉમાશંકર… આ બધાં જ પુસ્તકાલયમાં આપણી પ્રતીક્ષા કરતા હોય છે. આપણી સાથે ગોષ્ઠિ માંડવા, ગૂફતગૂ કરવા સૌ તત્પર છે. મહત્વની બાબત આપણી તત્પરતાની, આપણી દ્રષ્ટિની, આપણી વૃત્તિની, આપણી ઝીલણ ક્ષમતાની છે. કોઈ પણ ઉત્તમ પુસ્તક તેના વાચકને તે જેવો છે, તેવો નહીં રહેવા દે. એને ઉન્નત, શ્રેષ્ઠ બનાવશે. આઠ-દસ વર્ષ પહેલા જાણીતા વિચારક શ્રી ગુણવંત શાહે બાલાસિનોર ખાતે એક વ્યાખ્યાન દરમિયાન માર્મિક વિધાન કર્યું હતું. શ્રોતાઓને તેમની લાક્ષણિક શૈલીમાં કહ્યું હતું કે : “ જે ઘરમાં નાનકડું પુસ્તકાલય ન હોય તે ઘરમાં તમે તમારી દીકરીને ન પરણાવતા.” કપડાં, ઘરેણાં, બર્થ ડે પાર્ટીઓ, ચલચિત્રો પાછળ રૂપિયાનો ધૂમાડો કરતાં આપણે અચકાતા નથી, પણ પચાસ કે સો રૂપિયાનું પુસ્તક ખરીદવામાં કંજૂસાઈ કરીએ છીએ. ગુજરાતીઓના માથે એક મહેણું છે  કે ગુજરાતીઓ ચેકબુકની પૂજા કરનારી પ્રજા છે ! વાંચનભૂખમાં બંગાળીઓ અવ્વલ નંબરે છે. યાદ રાખવાનું આટલું છે : વાંચનથી વિચાર બદલાય, વિચારથી વ્યક્તિ બદલાય, વ્યક્તિથી સમાજ બદલાય, સમાજથી વિશ્વ બદલાય. સાત ભવનાં પુણ્ય કર્યા હોય ત્યારે ગ્રંથપાલ થવાય એવો મારો અંગત મત છે. પ્રત્યેક ગ્રંથપાલની એ નૈતિક જવાબદારી બને છે કે ગ્રંથાલયમાં વધારેમાં વધારે માણસો આવતા થાય. આપણે પણ વાંચીએ, વિચારીએ અને વિશ્વના ઉત્કર્ષમાં વૈચારિક સહયોગ આપીએ. શેરી નાટકના પ્રખ્યાત કલાકાર સફદર હાશ્મીની આ કવિતા ઘણું ઘણું કહી જાય છે : કિતાબેં કરતી હૈ બાતેં, બીતે જમાનો કી, દુનિયાકી, ઈન્સાનોં કી, આજ કી, કલ કી, એક એક પલ કી, ખુશિયોં કી, ગમાઁ કી, ફૂલૉ કી, વનોં કી, જીત કી, હાર કી, પ્યાર કી, માર કી, કયા તુમ નહીં સુનોંગે ઈન કિતાબોં કી બાતેં ? કિતાબેં કુછ કહના ચાહતી હૈં, તુમ્હારે પાસ રહના ચાહતી હૈં, કિતાબોં મે ચિડીયા ચહચહાતી હૈં, કિતાબોં મેં ખેતિયા લહલહાતી હૈં, કિતાબોં મેં ઝરને ગુનગુનાતે હૈં, પરિયોં કે કિસ્સે સુનાતે હૈં, કિતાબો મેં રોકિટ કા રાજ હૈં, કિતાબોં મે સાયંસ કી આવાજ હૈં. કિતાબોં મેં કિતના બડા સંસાર હૈં, કિતાબોં મેં જ્ઞાનકી ભરમાર હૈં, કયા તુમ ઈસ સંસાર મેં નહિ જાના ચાહોગે ? કિતાબેં કુછ કહેના ચાહતી હૈં, તુમ્હારે પાસ રહના ચાહતી હૈ.

આપણે અને આપણી પાસે ભણતા વિદ્યાર્થીઓમાં વાચનરસ જન્મે તે જોવાની આપણી-સૌ શિક્ષકોની જવાબદારી છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.

યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | LINKEDIN  | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE

વધુ સમાચાર વાંચો :