Estimated reading time: 4 minutes
YUGEN REALTY, SURAT
જિંદગી ત્રણ અક્ષરનું નામ. આ ત્રણ અક્ષરનાં નામ સાથે કેટલાકને ફાવે તો કેટલાકને એ હંફાવે. એનું કાયમી સરનામું આપણી જ પાસે, આપણી જ અંદર હોવા છતાં એ મળે ન મળે એવું બને. એક છેડે જન્મ અને બીજા છેડે મૃત્યુ છે. આ બે બિંદુઓ વચ્ચેનો કાલખંડ તે જિંદગી. કવિ નિરંજન ભગત લખે છે તેમ “જન્મ મૃત્યુ કૌંસ બે, વચ્ચે વહે આ જિંદગી.” જેટલા શ્વાસ લઈએ છીએ તેટલા જ શ્વાસ મૂકીએ છીએ. પણ કેવળ શ્વાસોનો સરવાળો તે જિંદગી નથી. કેટલું જીવ્યા તેના કરતાં વધારે મહત્ત્વનું એ છે કે કેવું જીવ્યા. બાવળનું વૃક્ષ વર્ષો જીવે છે જ્યારે ગુલાબનો છોડ થોડાંક મહિના કે થોડાંક વર્ષ જીવે છે. પરંતુ, ગુલાબનાં ફૂલનું સૌંદર્ય અને સુવાસ માણવા માટે સૌ કોઈ ઉત્સુક હોય છે જ્યારે બાવળના કાંટા કોઈને પસંદ નથી.
જીવવું, જીવી ખાવું અને જીવી જાણવું આ ત્રણેય બાબતો અલગ અલગ છે. કેટલાક લોકો ફક્ત જીવે છે. જીવવા ખાતર જીવે છે. જન્મ મળ્યો છે માટે જીવે છે કે જીવવું પડે છે. આવા લોકોની પાસે જીવનનો કશો ઉદ્દેશ નથી હોતો. કેટલાક લોકો ફક્ત ખાઈ ખાઈને જીવે અને જીવી જીવીને ખાય. આવા લોકો જિંદગીના ભારને ખભા પર ઊંચકીને ફર્યા કરે. જ્યારે ત્રીજા પ્રકારના લોકો જિંદગીને જાણે અને માણે. આ ત્રીજા પ્રકારના લોકો પાસે જિંદગી વિશેની સ્પષ્ટ સમજણ હોય છે. આટલું યાદ રાખવું જોઈએ કે સમજણ વગરની જિંદગી નકામી. જિંદગી જીવવા માટે જિંદગી તરફનો દૃષ્ટિકોણ ખૂબ મહત્ત્વનો છે. દુર્ભાગ્યે શાળા કોલેજના અભ્યાસક્રમમાં આપણે ત્રિકોણ-ચતુષ્કોણ ભણાવીએ છીએ પરંતુ દૃષ્ટિકોણ ભણાવતા નથી.
જિંદગી એક ખુલ્લું મેદાન છે. આ મેદાનમાં રંગબેરંગી સુગંધી પુષ્પો ખીલવવાની આવડત ઊભી કરવાની છે. અટપટી જિંદગીને ચટપટી બનાવવાની કળા હસ્તગત કરવી જોઈએ. કોઈએ સરસ વાત કરી છે કે જ્યાં-જ્યારે-જે-જેવું મળે ત્યાં-ત્યારે-ત્યારે-તેવું-માણી લેવામાં જ મજા છે. જિંદગી વિશે કેટલાક લોકો સતત ફરિયાદ કરતા જ સાંભળવા જોવા મળે છે. જિંદગી ફરિયાદ-પેટી નથી. જિંદગી એક વાંસળી છે જેવી ફૂક મારશો તેવું સંગીત એમાંથી નીકળશે. ફૂકનો આધાર આપણા પોતાના ઉપર જ રહેલો છે એ ધ્યાનમાં રહે. અગવડ, મુશ્કેલી અને સમસ્યાઓ તો આવવાની જ. એમાંથી રસ્તો કાઢતા શીખીએ. જ્યારે ઊભી થયેલી કે સામે આવેલી પરિસ્થિતિ બદલવી શક્ય ન લાગે ત્યારે માણસે પોતાની મન:સ્થિતિ બદલવી જોઈએ. ગુજરાતી ભાષાના જાણીતા કવિ મરીઝ લખે છે:
“જિંદગીને જીવવાની
ફિલસૂફી સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં
આખરી સમજી લીધી.”
ક્ષણોમાં અને ક્ષણે ક્ષણમાં ભરપૂર જીવી લેવાનું. તારીખો કરી પાછી આવે છે પરંતુ દિવસો પાછા આવતા નથી તે વાત હંમેશાં માટે યાદ રાખવી. આપણા સમયના ગજાના ફિલોસૉફર આચાર્ય રજનીશજી કહે છે તે જીવનમાં ઉતારવા જેવું છે. તેઓ કહે છે કે:
“જીવન કો ખોજો
અન્યથા
મૃત્યુ આપકો ખોજ રહી હૈ.”
જિંદગી મનુષ્યને ઈશ્વર તરફથી મળેલી એક મૂલ્યવાન ભેટ છે. એ ભેટનો સ્વીકાર કરી આનંદસભર જીવતા શીખીએ. આપણે મંગળ પર જીવન શોધીને ભલે ગળું ફૂલાવતા હોઈએ પણ જીવનમાં મંગળ શોધવું વધારે મહત્ત્વનું છે. કવિ રાજેન્દ્ર શાહની આ કાવ્ય પંક્તિઓને જીવનનો મંત્ર બનાવીએ:
“પ્રસન્નતાને કદી નવ તજીએ,
પ્રસન્ન સહુ સ્થિતિમાં રહીએ.”
જિંદગીનાં આકાશમાં જે મેઘધનુષ્ય છે તેમાં બધા જ રંગો છે, પરંતુ આપણે ઈચ્છા રાખીએ કે આપણને ફક્ત લાલ કે લીલો કે આસમાની રંગ જ જોઈએ છે. આપણાં વિચાર પ્રમાણે કે આપણી પસંદગી પ્રમાણેના રંગો કદાચ આપણને ન પણ મળે. ગમતા રંગોને માણો. અણગમતા રંગો તરફ ધ્યાન ન આપવામાં ડહાપણ છે. અણગમતા રંગો તરફનું ધ્યાન મુશ્કેલી ઊભી કરે છે. મોહમ્મદ માંકડે તેમના એક લેખમાં લખ્યું છે કે “સુખ એટલે પોતાના બગીચામાં ખીલેલા ફૂલોમાંથી ગજરો બનાવવાની કળા.” આ વાત સમજવા જેવી છે. મોટાભાગે આપણું મન બીજાના બગીચામાં ખીલેલા ફૂલો તરફ જ ભટક્યા કરે છે જેને પરિણામે આપણે આપણાં બગીચામાં ખીલેલા ફૂલોનું સૌંદર્ય માણવાનું જ ચૂકી જતા હોઈએ છીએ. કવિ ચિનુ મોદીના વિચારોનું ઊંડાણ સમજી લઈએ તો બેડો પાર થઈ જાય:
“શ્વાસનો આ ગંજીપો
ક્યાં સુધી એને ચીપો?
ચીજ સોનાની છું હું,
ધણ લઈને ના ટીપો.”
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.
યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | LINKEDIN | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE












