Yugen Coffee Table Book Banner
Home Local News સુરતમાં રૂ. બે હજાર કરોડના જમીન કૌભાંડમાંમાજી કલેક્ટર આયુષ ઓક સસ્પેન્ડ

સુરતમાં રૂ. બે હજાર કરોડના જમીન કૌભાંડમાંમાજી કલેક્ટર આયુષ ઓક સસ્પેન્ડ

તલસ્પર્શી તપાસ કરાય તો અબજો રૂપિયાના આ કારસ્તાન પાછળના ઘણા ચહેરા બેનકાબ થશે

Estimated reading time: 4 minutes

YUGEN REALTY, SURAT

સુરતના ડુમસ વિસ્તારની બે હજાર કરોડની કિંમત ધરાવતી 2.17 લાખ ચોરસમીટર સરકારી જમીન ગણોતિયાને નામે કરી દેવાના કૌભાંડમાં સરકારે આકરું વલણ અખત્યાર કર્યું છે. તત્કાલીન કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરવાનો હુકમ કરાયો છે. આયુષ ઓક હાલમાં વલસાડ કલેક્ટર હતાં તેમને સસ્પેન્ડ કરીને વલસાડ કલેક્ટરનો ચાર્જ નિવાસી અધિક કલેક્ટર એ.આર. ઝાને સોંપવામાં આવ્યો છે. આયુષ ઓકે સુરતના કલેક્ટરના હોદ્દા ઉપરથી તેમની બદલી થાય તેના એક દિવસ પહેલાં જ આ વિવાદી હુકમ કર્યો હતો.

સુરતના દરિયા કિનારા પાસે બે હજાર કરોડની બજાર કિંમત ધરાવતી ડુમસની 2.17 લાખ ચો.મી. સરકારી પડતર જમીનમાં ગણોતિયાનું નામ દાખલ કરવાના કૌભાંડની હકીકત એવી છે કે ડુમસ ખાતે સર્વે નં. 311/3૩ વાળી અંદાજીત 2,17,216 ચોરસ મીટર જમીન આવેલી છે. આ જમીન સરકારી રેકર્ડ ઉપર વર્ષ 1948-49 થી સરકારી પડતર જમીન તરીકે નોંધાયેલી હતી. પરંતુ આ જમીનમાં નોંધ નં. 582થી ગણોતિયા તરીકે “કૃષ્ણમુખલાલ ભગવાનદાસ”નું નામ દાખલ કરવામાં આવ્યું હતું.

આ કિસ્સામાં મુખ્યમંત્રી અને વડાપ્રધાન કાર્યાલયને ધારાસભ્ય ડો. તુષાર ચૌધરી અને સુરતના આગેવાન દર્શન નાયક દ્વારા કરાયેલી ફરિયાદમાં જે પ્રશ્નો ઊભા કરાયા હતાં તે એ પણ હતાં કે સરકારી પડતરની જમીનમાં કોઈ પણ વ્યક્તિનું નામ ગણોતિયા તરીકે કેવી રીતે આવી શકે?? જેથી સરકારની જમીનમાં ગણોતિયા તરીકે નામ દાખલ કરવામાં આવ્યું છે તે પ્રક્રિયા સદંતર ગેરકાયદેસર છે. જોકે નિયમ પ્રમાણે આ રીતે કોઈ પણ વ્યક્તિનું નામ દાખલ કરવા માટેની સત્તા મહેસૂલી અધિકારી પાસે હોય છે. આ વિવાદી હુકમમાં પ્રશ્ન એ પણ ઉદભવ્યા હતાં કે કોઈપણ જમીનમાં નામ દાખલ કરતાં પહેલા મહેસૂલી અધિકારી તરફથી કારણ દર્શક નોટિસ આપવાની રહે છે. આ કિસ્સામાં રેવન્યુ અધિકારી તરફથી તે પણ કરવામાં આવ્યું નથી. કોઈ પણ પ્રકારના આધાર પુરાવાઓ વિના જ ગણોતિયાઓના નામ સરકારની જમીનમાં દાખલ કરી દેવામાં આવેલા હતા.

ડુમસની આ સર્વે નં. 311/3 વાળી જમીનનું ગણોતિયાઓ દ્વારા વખતો વખત વેચાણ કરાયું હતું અને ત્યારબાદ જમીનને બિન-ખેતી કરાવવા માટે જિલ્લા કલેકટર કચેરી ખાતે કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદમાં પ્રાંત અધિકારી દ્વારા તપાસ કરતાં સદર જમીન સરકારની હોય તેવું જાણવા મળ્યું હતું.

વર્ષ 2015માં આ જમીન સરકારી હોવાનો રિપોર્ટ કરાયો

ગુજરાત હાઇકોર્ટમાં આ બાબતે એક રીટ પિટિશન પણ દાખલ કરવામાં આવી હતી. વર્ષ 2015 માં સુરત સિટી પ્રાંત દ્વારા આ જમીન બાબતે રિપોર્ટ પણ આપવામાં આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે આ જમીન સરકારની છે અને ખોટી રીતે ગણોતિયાઓના નામ દાખલ કરવામાં આવ્યા હતા. ગુજરાત ગણોત ધારાની કલમ 4 હેઠળ જો કોઈ વ્યક્તિ કાયદેસર રીતે બીજી વ્યક્તિની જમીન ખેડતી હોય તો તેને ગણોતિયા તરીકે ગણવામાં આવે છે. પરંતુ સરકારી જમીનમાં ખેતી કરવાથી ગણોતિયો બની જવાય એવો ઉલ્લેખ કલમ 4 ની જોગવાઈમાં ક્યાંય જોવા મળતો નથી. એટલે અહીં સરકારી જમીનમાં ગણોતિયાના નામ દાખલ થઈ જાય એવો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. આવી હકીકત પણ દર્શન નાયક અને તુષાર ચૌધરીએ કરેલી ફરિયાદમાં ઉપસ્થિત કરાયો હતો.

સૌથી વધુ ચર્ચાતો પ્રશ્ન… આ કૌભાંડ પાછળ દોરીસંચાર કોનો?

ડુમસની આ બે હજાર કરોડની જમીનના આ કૌભાંડમાં ઉપરોક્ત કારણોસર એ તો સ્પષ્ટ થઈ રહ્યું હતું કે તત્કાલીન કલેક્ટર આયુષ ઓક દ્વારા તેમની બદલીના 2 દિવસ પહેલા મહામૂલી અને કિંમતી સરકારી જમીનમાં ખોટી રીતે ગણોતિયાના નામ દાખલ કરી દેવામાં આવ્યા છે. આ બાબતે સરકારી જમીનમાં નામ દાખલ કરવા અન્વયે ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ આવતું હતું. જોકે, આ કૌભાંડી હરકત પાછળ ભાજપના જ એક અગ્રણીનો દોરીસંચાર હોવાનું જોરશોરથી ચર્ચાઇ રહ્યું છે. એટલે, હજી તો સરકારે આયુષ ઓકને સસ્પેન્ડ કરીને પહેલું પગલું ભર્યું છે. જો આ કૌભાંડમાં તલસ્પર્શી તપાસ કરવામાં આવે તો ઘણી હકીકતો સામે આવી શકે અને ઘણા મોટા ચહેરા પણ બેનકાબ થાય તેમ છે. હાલમાં આ મામલાને લઇને રાજ્ય સરકાર પણ ગંભીરતાથી સમગ્ર પ્રકરણની તપાસમાં લાગી છે. નજીકના દિવસોમાં આ મામલે સુરતના એક મોટા ગજાના રાજકારણીની ભૂમિકા પણ સામે આવે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

સસ્પેન્શન દરમિયાન આયુષ ઓકે પાટણમાં રિપોર્ટ કરવો પડશે

સુરતની ડુમસની કરોડો રૂપિયાની જમીનના કૌભાંડમાં હાલમાં વલસાડના કલેક્ટર અને સુરતના પૂર્વ કલેક્ટર આયુષ ઓકને સરકારે સસ્પેન્ડ કરી દીધા છે. તેમના સસ્પેન્શનના હુકમમાં ફરમાન કરાયું છે કે તેમણે પાટણ ડિસ્ટ્રિક્ટની હદમાં જ રહેવું. રિપોર્ટ પાટણ જિલ્લાના હેડક્વાર્ટરમાં કરવો. સસ્પેન્શન દરમિયાન અન્ય કોઈ નોકરી કે વેપારની સાથે જોડાયા નથી તેનું દર મહિને એડિ. ચીફ સેક્રેટરીને સર્ટિફિકેટ આપવું પડશે અને આ સસ્પેશનના સમયગાળા દરમિયાન એડિશનલ ચીફ સેક્રેટરી (પર્સોનલ)ની પૂર્વ મંજૂરી વગર તેઓ પાટણની હદ નહીં છોડી શકશે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.

યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | LINKEDIN  | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE

વધુ સમાચાર વાંચો :