YUGEN REALTY, SURAT

ખેતીની જમીનનો ઉપયોગ બિનખેતી વિષયક હેતુ માટે કરવો હોય એટલે કે કોઇએ ખેતીની જમીનમાં બાંધકામ કરવું હોય અગર ખેતી સિવાયના હેતુ માટે ઉપયોગ કરવો હોય તો તે અંગે સરકારશ્રીની પરવાનગી લેવાની હોય છે. ખેતી વિષયક જમીનનો બિનખેતી ઉપયોગ કરવા અંગેની જોગવાઈ ગુજરાત જમીન મહેસુલ અધિનિયમ-૧૮૭૯ની કલમ-૬૫(૧), ૬૫(૨), ૬૫-કે, ૬૫–ખ વિગેરે તથા કલમ-૬૬ અને ૬૭ માં કરાવેલ છે.
તત્કાલ બિનખેતીની પરવાનગી આપવાની કાર્યપદ્ધતિ
ખેતીના હેતુ માટેની જમીન બિનખેતીના હેતુ માટે ઉપયોગમાં લેવા નિયત શરતોએ સક્ષમ અધિકારીની પરવાનગી મેળવવા બાબત ગુજરાત જમીન મહેસુલ અધિનિયમ-૧૮૭૯ની કલમ-૬૫(૧)માં જોગવાઈ કરવામાં આવેલ છે. જેના અનુસાર ખેતી વિષયક હેતુ માટે ધારણ કરાયેલ જમીન અથવા તેના કોઈપણ ભાગનો ખેતી સિવાયના હેતુ માટે જમીન ધારણ કરનાર ઉપયોગ કરવા ઈચ્છે તો તે અંગે કલેકટર / સક્ષમ અધિકારીની પરવાનગી મેળવવાની જોગવાઈ કલમ-૬૫ માં કરાયેલ છે. અને તે મુજબ બિનખેતીના ઉપયોગ માટેની અરજીઓનો નિર્ણય કરવાની સમય મર્યાદા નિર્ધારીત કરાયેલ છે. તેમજ બિનખેતી પરવાનગી આપવા માટે વિવિધ ખાતા/કચેરીના ”ના વાંધા પ્રમાણપત્ર” મેળવ્યા બાદ સક્ષમ અધિકારી બિનખેતી પરવાનગી આપવાનો નિર્ણય કરે છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં જમીનના ધારણકર્તાઓને તાત્કાલિક બિનખેતીની પરવાનગી મેળવવાના સંજોગો ઉપસ્થિત થતા હોય છે. આવા સંજોગોને ધ્યાનમાં લઈને રાજય સરકારે રાજયના જિલ્લાઓ માટે તથા મ્યુનિસિપલ વિસ્તારો, ટી.પી. વિસ્તારો વિગેરેની જમીનો માટે તત્કાલ બિનખેતી યોજના દાખલ કરવાનું નક્કી કરેલ છે. તે માટે રાજ્ય સરકારે વહીવટી સૂચનાઓ અને પરિપત્રો પણ બહાર પાડેલ છે. અને તે માટેની કાર્યપદ્ધતિ પણ નક્કી કરવામાં આવેલ છે જેની કાર્યપદ્ધતિ નીચે મુજબ છે.
(૧) તત્કાલ બિનખેતી યોજના અન્વયે અરજદારશ્રીએ સંબંધિત તમામ ખાતા/કચેરીના અભિપ્રાયો એન.ઓ.સી. પોતે જ મેળવીને તે અભિપ્રાય સાથે બિનખેતી માટે અરજી કરવાની રહે છે જે માટે અરજદારશ્રી તરફથી સંબંધિત ખાતા/કચેરીએ અભિપ્રાય માટે અરજી રજૂ થાય કે તુરત જ પોતાના ખાતા/કચેરીને લગતી બાબતો પરત્વેનો અહેવાલ તૈયાર કરી અરજદારશ્રીને જ આપવાનો રહેશે.
(૨) તત્કાલ બિનખેતી યોજના અન્વયે અરજદારે રજૂ કરવાની અરજીનો નમૂનો, સોગંદનામાનો નમૂનો, બાંયધરી ખત તથા અરજદારે સંબંધિત ખાતા/કચેરીને રજુ કરવાની પ્રાથમિક વિગતની યાદી તથા ટાઈટલ પત્રકનો નમૂનો ધ્યાને લઈ સંબંધિત ખાતાએ પોતાને લગતી બાબતો પરત્વે અહેવાલ/એન.ઓ.સી. અરજદારશ્રીને આપવાના હોય છે.
(3) તત્કાલ બિનખેતી યોજના અંગેની અરજદારની અરજીઓ પરત્વેના અહેવાલમાં કોઈપણ સત્તાધિકારીએ પોતાના અહેવાલ કે એન.ઓ.સી.માં ”યોગ્ય થવા”, ”નિયમોનુસાર કાર્યવાહી થવા”, ‘ઘટિત થવા’ જેવા શબ્દો વાપરી વચગાળાનો અભિપ્રાય આપવાનો હોતો નથી. પરંતુ આવી અરજીઓ પરત્વે સંબંધિત સત્તાધિકારીશ્રીએ જે તે કેસમાં બિનખેતી પરવાનગી આપવા પુરતી ચકાસણી બાદ સ્વયં સ્પષ્ટ અભિપ્રાય આપવાનો હોય છે અથવા ચોક્કસ કારણોના ઉલ્લેખ સાથે બિનખેતી પરવાનગી આપવા અભિપ્રાય થતો નથી તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો હોય છે.
(૪) તત્કાલ બિનખેતી યોજના અન્વયે સંબંધિત ખાતા/કચેરીના અહેવાલ એન.ઓ.સી. સહિત અરજદારશ્રી તરફથી રજૂ થયેલી અરજી કલેક્ટર કચેરીએ પ્રાથમિક રીતે ચકાસી કોઈ જ બાબતો અધૂરી ન હોવાની ખાત્રી કર્યા બાદ આવી રજુ થયેલી અરજી શાખાના તત્કાલ બિનખેતી યોજના રજિસ્ટરે નોંધી તથા આગળની કાર્યવાહી કરવા શાખામાં આપવાની હોય છે.
(5) તત્કાલ બિનખેતી યોજના પરત્વે મામલતદારશ્રીઓએ જમીનના ટાઈટલ બાબતે ચકાસણી કરી ખાસ બાબત હોય તો તેનો પોતાનો અહેવાલમાં અચૂક ઉલ્લેખ કરવાનો હોય છે.
હાલ સક્ષમ સત્તાઓ બિનખેતી પરવાનગી આપવા માટે જુદા જુદા ૧૨ જેટલા વિવિધ ખાતા/કચેરીના “ના વાંધા પ્રમાણપત્ર” મેળવ્યા બાદ બિનખેતી પરવાનગી આપવાનો નિર્ણય કરે છે તેને બદલે હવેથી માત્ર જમીન મહેસૂલ સંહિતા તેમજ જમીન મહેસૂલ નિયમોની જોગવાઈઓને આધીન નીચેના મુદ્દાઓ અંગે માત્ર અભિપ્રાય મેળવી પરવાનગી આપવામાં આવે છે, સક્ષમ કચેરીએ નીચે જણાવેલ બાબતનો અભિપ્રાય આપવાનો હોય છે.
(A) પ્રશ્ન હેઠળની જમીનના માલિકી હકકપણા (ટાઈટલ) બાબતેના વાંધા પ્રમાણપત્ર આપવાની જવાબદારી મહેસૂલી સત્તાધિકારી જેવા કે કલેક્ટર, નાયબ કલેક્ટર, પ્રાંત અધિકારીની હોય છે.
(B) પ્રશ્ન હેઠળની જમીન નવી શરતની ગણોતધારા કે અન્ય કોઈ કાયદા મુજબ પ્રતિબંધિત સત્તા પ્રકારની છે કે કેમ? જો હા, તો પ્રશ્ન હેઠળની જમીનનો બિનખેતીના હેતુ માટે ઉપયોગ કરવા માટેની કલેક્ટરશ્રીની મંજૂરીનો હુકમ કરવામાં આવેલ છે કે કેમ ? કલેકટરશ્રી દ્વારા નકકી કરવામાં આવેલ પ્રીમિયમની રકમ જમા કરાવવામાં આવેલ છે કે કેમ ?
(C)પ્રશ્ન હેઠળની જમીન સંપાદન હેઠળ છે કે કેમ ?
(D)પ્રશ્ન હેઠળની જમીન શહેરી જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ સરકારમાં સંપ્રાપ્ત થયેલ છે કે કેમ ?
(E) પ્રશ્ન હેઠળની જમીનના માલિકીપણા અંગે કૈસ, વિવાદ કે અપીલના મુદ્દે કોઈ કાર્યવાહી ચાલુ
(F)પ્રશ્ન હેઠળની જમીનમાં કોઈ સરકારી લેણુ વસૂલ લેવાનું બાકી છે કે કેમ ?
આમ, ઉપર મુજબના અભિપ્રાયો સંબંધિત કચેરીઓ પાસેથી મેળવી લીધા બાદ અરજદાર બિનખેતી પરવાનગી મેળવવા માટેની અરજી કરી શકે છે. અને તેની સાથે જ મેળવેલા અભિપ્રાયોનું બિડાણ કરવાનું હોય છે. અને ઉપર મુજબની કાર્યપદ્ધતિ અપનાવ્યેથી અરજદાર બિનખેતીની પરવાનગી તાત્કાલિક યાને ખૂબ જ ટૂંકા ગાળામાં મેળવી શકે છે. બિનખેતીની પરવાનગી સંબંધિત અન્ય વિષયો ઉપર આવનારા અંકોમાં માહિતીસભર માર્ગદર્શન આપ સમક્ષ રજૂ કરવામાં આવશે.
ખેતીની જમીન અંગે બિનખેતીનું કૃત્ય કરવા અંગેની પરવાનગી (એન.એ.) બાબતે અરજી કરતી સમયે કઈ કઈ નકલો બિડાણ કરવી જરૂરી છે તેનું ચેક લિસ્ટ અને બિનખેતી પરવાનગી મેળવવા માટે અરજદારે કઈ કઈ શરતોનું પાલન કરવુ જરૂરી છે તે અંગે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ઠરાવ ક્રમાંક : : બખપ/૧૦૦૬૪૨૫/ક થી તા.: ૦૧/૦૭/૨૦૦૮ ના રોજ ઠરાવ પસાર કરવામાં આવેલ છે.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.
યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | LINKEDIN | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE











