Yugen Coffee Table Book Banner
Home Featured Consumer Corner રાજ્યમાં જંત્રીના દર વધારીને બજારભાવ જેટલા કરાશે તો રિઅલ એસ્ટેટના વ્યવહારો ખોરવાઈ...

રાજ્યમાં જંત્રીના દર વધારીને બજારભાવ જેટલા કરાશે તો રિઅલ એસ્ટેટના વ્યવહારો ખોરવાઈ જશે

ક્રેડાઇ સાથેની મિટીંગમાં મુખ્યમંત્રીએ કહ્યું તમે જંત્રીથી વધુ દરે દસ્તાવેજો કરો જ છો... મકાન પ્રોપર્ટી, ટેક્સ દસ્તાવેજ ખર્ચ વધીને આસમાને પહોંચશે.... બિલ્ડરોનો દાવો રિઅલ એસ્ટેટના તમામ વ્યવહારો ખોરવાઈ જશે

Estimated reading time: 4 minutes

YUGEN REALTY, SURAT

રાજ્ય સરકારે બાર વર્ષ પછી સમગ્ર રાજ્યમાં ગત વર્ષે જંત્રીના દર વધાર્યા હતા. ફરી એક વખત રાજ્ય સરકારે જંત્રીના દરમાં વધારો કરવાની દિશામાં નિર્ણય લેવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના કારણે બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ક્રેડાઇ ગુજરાત સાથેની મીટિંગમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ દિશામાં આડકતરી રીતે નિર્દેશ પણ આપ્યો હતો. તેઓએ બિલ્ડરોને જણાવ્યું હતું કે, તમે જે દસ્તાવેજો કરો છે તે તો જંત્રી રેટ કરતા વધારે ભાવે જ કરી રહ્યા છો. એટલે જંત્રી પણ બજારભાવ જેટલી કરી દેવાની વિચારણા ચાલી રહી છે. ઉદાહરણથી સમજીએ તો અમદાવાદના આંબલીમાં રૂ. 20 હજાર જંત્રીનો દર છે જે હવેથી વધીને એક લાખ રૂપિયા થઇ જશે. જેના કારણે ફ્લેટો ખૂબ જ મોંઘા થઇ જશે. કૅપિટલ ગેઇન ટેક્સમાં વધારો થશે પ્રોપર્ટી ટેક્સમાં પણ વધારો થશે.

રિઅલ એસ્ટેટ માર્કેટ પર આ નિર્ણયની ખૂબ જ મોટી અસર પડશે અને વ્યવહારો ખોરવાઈ જવાની સંભાવના પણ બિલ્ડરો વ્યક્ત કરી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, આ પહેલા રાજ્યમાં વર્ષ 2006માં જંત્રીના દર માટે સર્વે થયો હતો અને તેનો અમલ વર્ષ 2008માં થયો હતો. વર્ષ 2011માં ફરી વખત તેમાં સુધારો થયો હતો પછી બાર વર્ષે ગત વર્ષે એટલે કે વર્ષ 2023માં જંત્રીના દરમાં વધારો કરવામાં આવ્યો હતો. જેની મોટી અસર શરૂઆતના તબક્કામાં રિઅલ એસ્ટેટ સેક્ટર ઉપર પડી હતી. ખાસ કરીને ટાયર ટુ સિટીમાં આવતા સુરત અને વડોદરા રાજકોટ, ભાવનગર જેવા શહેરોમાં મકાનોની લે વેંચ પર મોટી અસર જોવા મળી હતી. આ જંત્રી દર વધારાની અસર હજુ ઓછી થઇ નથી ત્યાં રાજ્ય સરકારે ફરી વખત જંત્રીના દરમાં વધારો કરવાનું મન બનાવી લીધું છે અને આ વખતે રાજ્ય સરકાર દરેક શહેરમાં જમીનોના વાસ્તવિક ભાવ પ્રમાણે જંત્રી વસુલવા માટે મક્કમતાથી આગળ વધી રહી છે. જેના કારણે હવે આવનારા દિવસોમાં મિલકતો ખરીદનારાની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાશે અને જેમને સામાન્ય મકાન પણ ખરીદવાની શક્તિ છે એવા લોકો મકાન ખરીદી શકશે નહીં. બીજી તરફ માલેતુજાર લોકો પણ મિલકત ખરીદતાં પહેલા વિચાર કરતા થઇ જવાની સંભાવનાઓ છે. ખાસ કરીને સુરત અમદાવાદ જેવા શહેરોમાં પ્રોપર્ટી ખરીદવી એ સામાન્ય વર્ગના લોકો માટે એક સ્વપ્ન સમાન બની રહેશે. દેશના કોઇ પણ રાજ્યમાં નથી તેના કરતા વધારે જંત્રી વસુલવા માટે રાજ્ય સરકાર તૈયારી કરી રહી છે જે રિઅલ એસ્ટેટ સેક્ટરનો મૃત્યુઘંટ વગાડશે એવું માનવામાં આવી રહ્યું છે.

આ પ્રકારે ચાર પોઇન્ટમાં સમજો જંત્રીના દર વધારાની તમારા પર થનારી અસર….

જંત્રીના દર કઇ રીતે નક્કી થાય છે…

બાંઘકામ કરેલી મિલકત કે જમીનની માલિકીમાં જ્યારે ફેરફાર થાય છે ત્યારે સરકારી તીજોરીમાં ભરવાની રકમ નક્કી કરવા માટે દરેક મિલક્તની એક કિંમત નક્કી કરવામાં આવે છે જેને જંત્રી કહેવામાં આવે છે. મોટા ભાગે તંત્રી અને બજાર કિંમતમાં વિસંગતતા જોવા મળે છે. જંત્રીનો દર નક્કી કરવા માટે ઘણા બધા પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે. જેમાં જમીન મિલકતોનો પ્રકાર, અન્ય સુવિધાઓ, લોકાલિટી વિગેરે બાબતોને આધાર બનાવવામાં આવે છે. જે તે વિસ્તારની જંત્રી જે તે વિસ્તારના બજાર ભાવ પર નક્કી થાય છે. પ્રોપર્ટીની માર્કેટ વૅલ્યુ જેટલી વધારે એટલા જંત્રીના દર પણ વધારે હશે. રહેણાંક પ્રોપર્ટીની જંત્રીનો રેટ ધંધાકિય સંપત્તિ માટેના જંત્રી રેટ કરતા ઓછો હોય છે. એટલે ફ્લેટ, પ્લોટ, ઓફિસ પ્લેસ કે ઔદ્યોગિક વસાહત પ્રમાણે જંત્રીનો દર નક્કી થાય છે. જો પ્રોપર્ટીની આસપાસ શોપિંગ મોલ હોય કે મોટા બજાર હોય સારા રસ્તા હોય, હોસ્પિટલો નજીક હોય, સ્કૂલો નજીક હોય બાગ બગીચા નજીક હોય એવા વિસ્તારોનો જંત્રી રેટ ઊંચો હોય છે.

જંત્રીના દર વધારાની ગ્રાહકો પર શું અસર થશે….

જંત્રીની કિંમત મિલકતના ઉપયોગ અને જમીનના પ્રકારના આધારે નક્કી થાય છે. સ્ક્વેર મીટર પ્રમાણે આ રેટ નક્કી થાય છે. જેથી દરેક ગ્રાહકને તેમના ફ્લેટનો દસ્તાવેજ ખર્ચ ડબલ થઇ શકે છે. ઉદાહરણ તરીકે જો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 50 લાખનું ટુ બેચકે ફ્લેટ ખરીદનારને દસ્તાવેજ સમયે સ્ટેમ્પ ડ્યુટીના 4.9 ટકા અને રજિસ્ટ્રેશનના એક ટકા પ્રમાણે અંદાજે રૂ. 3 લાખનો દસ્તાવેજ થતો હતો જો જંત્રીના રેટમાં વધારો થાય તો આ ખર્ચ ડબલ થઇ શકે છે.

બિલ્ડરો પર શું અસર થશે એ સમજીએ….

બિલ્ડર જમીન ખરીદી ત્યારે પ્રિમિયમ પેટે તેને 40 ટકા રકમ સરકારમાં ભરવાની હોય છે. ઉદાહરણ તરીકે જો જમીન ખરીદતી વખતે જમીનની પ્રિમિયમ પેટે ભરવાની રકમ બે કરોડ હોય હવે તે ડબલ એટલે કે 4 કરોડ થઇ શકે છે. આ જમીન પર બિલ્ડર પ્રોજેક્ટ બનાવે ત્યારે તેનો ભાર મિલકત ખરીદનાર પર થશે.

ક્યા પ્રકારના ફ્લૅટની કિંમતમાં વધારો થઇ શકે

કોઇ પણ પ્લેટ કે જમીન પર કેટલા માળના ફ્લૅટ બની શકે તે એફએસઆઇ (ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ) ના આધારે નક્કી થાય છે. સામાન્ય રીતે એફએસઆઇ 1.2 અને અમુક વિસ્તારોમાં 1.8 ટકા હોય છે. આનાથી વધુ એફએસઆઇ માટે બિલ્ડરે નાણા ખર્ચ કરી અને સરકાર પાસેથી એફએસઆઇ ખરીદવી પડે છે. બિલ્ડર જો 4 એફએસઆઇ ખરીદે તો 20 માળની બિલ્ડીંગ બને તેમાં જો જંત્રીની કિંમત રૂ. 30 હજાર હોય તો પ્રતિ વાર પ્રમાણે આ કિંમત 50 હજાર થઇ શકે છે. એટલે કે સામાન્ય ફ્લૅટ કરતા મલ્ટી સ્ટોરીડ ફ્લૅટની કિંમતોમાં વધારો આવી શકે છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.

યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | LINKEDIN  | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE

વધુ સમાચાર વાંચો :