Yugen Coffee Table Book Banner
Home Local News સુરતની સરકારી જમીનનું ઈ-મેપિંગ કરવાની કામગીરીનો શુભારંભ

સુરતની સરકારી જમીનનું ઈ-મેપિંગ કરવાની કામગીરીનો શુભારંભ

જીલ્લા કલેકટર આયુષની આગેવાની હેઠળ ડીજીટલ પહેલોમાં સુરત પાંચમા ક્રમે છે, કાર્યક્ષમ શાસન પ્રયાસો માટે કી કિરણો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

Surat Leads Digital Data Revolution Paving the Way for Statewide Progress

Estimated reading time: 3 minutes

YUGEN REALTY, SURAT

રાજ્યભરમાં સૌ પ્રથમ વાર સરકારી જમીનોનો ડિજિટલ ડેટા તૈયાર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને સુરતના પાંચ તાલુકામાં આવેલી સરકારી જમીનનું ઈ-મેપિંગ તો શરૂ પણ કરી દેવામાં આવ્યું છે. જેને પગલે હવે સરકારી જમીન પર દબાણ કરનારાઓ પર સરકારની ચાંપતી નજર રહેશે.

સુરત એવું શહેર છે, જ્યાંથી રાજ્ય કે દેશની ઘણી ખરી કામગીરીનો શુભારંભ કરવામાં આવે છે. કંઈક એવી જ કામગીરીનો ફરી એકવાર સુરતથી જ પ્રારંભ કરવામાં આવ્યો છે. સુરત જિલ્લાની સરકારી જમીનો પરનાં દબાણ રોકવા અને ભવિષ્યમાં લોકોને વિવિધ કાર્યક્રમો માટે સરકારી જમીન ભાડે આપવા માટે સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓક દ્વારા સરકારી જમીનનો ડિજિટલ ડેટા તૈયાર કરવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે, એટલું જ નહીં, સુરતના મજૂરા, ઉધના, અડાજણ, કતારગામ અને પૂણા તાલુકા સહિત કુલ પાંચ તાલુકાઓમાં આવેલી સરકારી જમીનોનું ઈ-મેપિંગ શરૂ થઈ ચૂક્યું છે.

આ કામગીરીના પ્રથમ તબક્કામાં સુરત શહેરમાં આવેલી હજારો ચોરસમીટર જમીનના ઈ-મેપિંગની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. ટી.પી. કપાત સહિત અંદાજે 1300 સર્વે બ્લોક નંબર ધરાવતી જમીનના ફિલ્ડ એરિયાનો મેજર એપ દ્વારા ડિજિટલ ડેટા તૈયાર કરવામાં આવશે. આ અંગે મળતી માહિતી અનુસાર મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર સરકારી જમીન પર જાતે જઈને પરિસ્થિતિનો તાગ મેળવશે અને જે-તે સ્થળ પરથી અક્ષાંશ અને રેખાંશનો ડેટા એપ્લિકેશન પર અપલોડ કરશે જેથી કોઈપણ વ્યક્તિ સરળતાથી એ સરકારી જગ્યા પર પહોંચી શકે.

વળી, એ સ્થળ પરના જુદા જુદા એંગલથી ફોટા પાડીને એ પણ એપ્લિકેશન પર અપલોડ કરવામાં આવશે અને એ જમીન પર દબાણ છે કે નહીં અને જો દબાણ છે તો એ દબાણ કોણે કર્યું છે એની વિગતો મેળવીને એ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ કામગીરી એક વાર પૂરી થઈ ગયા બાદ નજીકનાં ભવિષ્યમાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની ઓફિસમાં બેઠા બેઠા પણ ગૂગલ મેપની મદદથી સરકારી જમીન પર દબાણ થયું છે કે નહીં તે સાવ સરળતાથી જોઈ શકશે.

સરકારી પ્લોટની અદલાબદલી પર અંકુશ આવશે

જ્યારે સરકારી જમીનની ફાળવણીનો મુદ્દો હોય ત્યારે ઘણી વાર એવું બને છે કે જમીન પર 40 ટકા કપાત આવે ત્યારે ગ્રાહકને સારા લોકેશન પર ફાઈનલ પ્લોટ આપવામાં આવે છે. આસપાસની જગ્યા અંદરની બાજુએ હોય અથવા સારા લોકેશન પર ન હોય ત્યારે આવા કિસ્સામાં ફાઈનલ પ્લોટ અન્ય સ્થળે એટલે કે કોઈ સારા લોકેશનવાળી સરકારી જગ્યામાં ફાળવી દેવામાં આવે છે, પરંતુ સરકારી જમીનોનાં ઈ-મેપિંગ બાદ આ રીતની થતી ગેરકાયદે અદલાબદલી પર પણ આપોઆપ અંકુશ આવી જશે.

સરકારી જમીનોનો ઈ-મેપિંગ બાદ વિવિધ સર્વે નંબર પ્રમાણે, ક્યા તાલુકામાં કેટલી સરકારી જગ્યા છે તેની ચોક્કસ માહિતી હશે જેથી વિવિધ સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, કોર્પોરેટ કંપનીઓ વગેરેને એમના સંસ્થાકીય કાર્યક્રમો માટે જોઈતી જગ્યા શોધવામાં પણ સરળતા રહેશે. સરકાર પાસે તૈયાર ડેટાને આધારે તેઓ જગ્યાની માંગણી કરનારને આ ડેટાને આધારે સરળતાથી જમીન બતાવી શકશે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.

યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | LINKEDIN  | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE

વધુ સમાચાર વાંચો :