Estimated reading time: 4 minutes
YUGEN REALTY, SURAT
જંત્રીને લઈને ઘણા લોકો મૂંઝવણ અનુભવે છે. જંત્રી શું છે, તે કોણ નક્કી કરે છે, તે જાણવા માટે ક્યાં જવાનું વગેરે જેવા પ્રશ્નો લોકોને સતાવતા હોય છે.
ગુજરાત સરકારે ફેબ્રુઆરીમાં જંત્રીના દર બમણા કર્યા હતા અને ત્યારે તેનો ખૂબ વિરોધ થયો હતો. રાજ્ય સરકારે જંત્રીમાં કરેલા વધારાને કારણે, બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલ વર્ગમાં નારાજગી જોવા મળી હતી.
રાજ્યના વિવિધ શહેરના બિલ્ડર્સ એસોસિએશન, ગાહેડ અને ક્રેડાઈ જેવી સંસ્થાઓએ પણ આ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે જાણીએ કે જંત્રી એટલે શું? જંત્રીનો મૂળ હેતુ શો છે? તેનાથી કોને ફાયદો થાય છે? કેવી રીતે જંત્રી નક્કી થાય છે?
જંત્રી એટલે શું?
જંત્રી એટલે જમીન કે કોઈ પણ પ્રોપર્ટીના ખરીદ-વેચાણ માટે સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલો લઘુતમ ભાવ છે. જો તમારો વેચાણ દસ્તાવેજ જંત્રી દર કરતાં વધુ હશે તો જ સરકારી ચોપડે તમારી તે મિલકતના માલિક તરીકે નોંધણી થશે.
તે એક કાનૂની પુરાવો છે જે નિશ્ચિત સમય વચ્ચે જમીન કે મિલકતનો દર દર્શાવે છે. જંત્રીના ભાવથી પ્રોપર્ટીનો દસ્તાવેજ કરતી વખતે કેટલી સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવી અને કેટલો રજિસ્ટ્રેશન ચાર્જ ચૂકવવો તે નક્કી કરવામાં મદદ મળે છે.
જંત્રીને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. ગુજરાતમાં આપણે જંત્રી કહીએ છીએ, તેને અન્ય રાજ્યોમાં ‘સર્કલ રેટ’ અથવા ‘રેડી રેકનર’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
જંત્રીનો દર કોણ નક્કી કરે છે?
ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે જંત્રીનો દર નક્કી કરવામાં આવે છે. જમીન અને મિલકતની બજાર કિંમતના આધારે નિયમિત રીતે સરકાર દ્વારા સમીક્ષા કરવામાં આવે છે અને ત્યારબાદ જંત્રીનો દર નક્કી થાય છે. જંત્રી નક્કી કરવા માટે વિવિધ પરિબળોને ધ્યાન પર લેવામાં આવે છે.
જેમ કે, જમીન અને મિલકતનો પ્રકાર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોકાલિટી વગેરે. આ સિવાય પ્રોપર્ટીની બજાર કિંમત પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પ્રોપર્ટીની માર્કેટ વેલ્યુ જેટલી વધારે હશે, જંત્રીનો રેટ પણ તેટલો વધારે થશે. જો રહેણાંક સંપત્તિ હોય તો જંત્રીનો રેટ ઓછો હોય છે, જ્યારે ધંધાકીય સંપત્તિ માટે જંત્રીનો રેટ વધારે હોય છે.
એટલે કે, ફ્લેટ, પ્લોટ, ઓફિસ સ્પેસ અને ઔદ્યોગિક વસાહતના જંત્રીના રેટ અલગ-અલગ હોય છે. જો આસપાસ શોપિંગ કોમ્પ્લેક્સ કે મોલ હોય, સારા રોડ-રસ્તા હોય, હોસ્પિટલ, સ્કૂલ, બાગબગીચા જેવી સવલતો હોય તો તે વિસ્તારનો જંત્રી રેટ ઊંચો હોય છે.
જંત્રીની ફૉર્મ્યુલા કેવી રીતે નક્કી થાય?
ગુજરાતમાં જંત્રીના રેટ નક્કી કરવા માટે પાડોશી રાજ્ય મહારાષ્ટ્રની પેટર્નનું અનુકરણ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં દર વર્ષે જંત્રીના દર બદલવામાં આવે છે. જો બજાર કિંમતમાં સતત વધારો થતો રહે તો જંત્રીના દર વધે છે અને બજારમાં કોઈ નેગેટિવ ઇફેક્ટ આવે તો દરમાં ઘટાડો થાય છે.
ગુજરાતમાં ૨૦૦૬માં સર્વે કરાયેલી જંત્રીનો અમલ ૨૦૦૮માં થયો હતો. ૨૦૧૧માં ફરીથી સુધારો થયો અને કેટલીક ભૂલો સુધારવામાં આવી અને છેલ્લે ફેબ્રુઆરી 2023માં જંત્રીના દર વધારવામાં આવ્યા હતા. વૅલ્યુ ઝોનના આધારે જંત્રીનો રેટ નક્કી કરવામાં આવે છે.
ક્યાંથી જાણવા મળે જંત્રીનો દર?
જંત્રીનો દર તમે ઓનલાઈન જાણી શકો છો. તમે ગરવી ગુજરાત કે મહેસૂલ વિભાગની વેબસાઈટ પર જશો, એટલે તમારે જે-તે શહેર, ગામ અને વિસ્તારની વિગતો નાંખવાની રહેશે. આ વિગતો આપ્યા બાદ તમને જંત્રીનો રેટ જાણવા મળશે.
તમને રહેણાંક, વાણિજ્યિક, ઔદ્યોગિક, બિન-પિયત, ખેતી-પિયત, બિનખેતીનો અને ખેતીલાયક વિસ્તારનો રેટ જાણવા મળશે. આ રેટ રૂપિયા પ્રતિ ચોરસમીટરમાં હોય છે.
કઈ-કઈ વેબસાઇટ પરથી જંત્રી જાણી શકાશે?
ગરવી ગુજરાતની સત્તાવાર વેબસાઇટ garvi.gujarat.gov.in ખોલો અને જંત્રી પર ક્લિક કરો. એક નવું પેજ ખૂલશે, જેમાં તમારે જિલ્લો, તાલુકો, ગામ, જમીનનો પ્રકાર અને સર્વે નંબર ભરવાના રહેશે. ત્યારબાદ Show Jantri પર ક્લિક કરવાથી જંત્રીની વિગતો મળશે.
બીજો વિકલ્પ છે, મહેસૂલ વિભાગની વેબસાઇટ revenuedepartment.gujarat.gov.in અહીં તમે jantari પર ક્લિક કરશો, એટલે ગુજરાતનો નકશો ખૂલશે, જેમાં તમારે જિલ્લો, તાલુકો, ગામ, જમીનનો પ્રકાર અને સર્વે નંબર ભરવાનો રહેશે. અહીં તમને ગુજરાત સરકાર દ્વારા પ્રમાણિત જંત્રી દર મળી જશે.
ત્રીજો વિકલ્પ છે ઈ-ધરા કેન્દ્ર. તમે તાલુકા મામલતદારની કચેરીમાં આવેલી ઈ-ધરા કેન્દ્રની મુલાકાત લઈને પણ જંત્રીના દર મેળવી શકો છો. તમારે ઈ-ધરા કેન્દ્રમાં જઈને ઓપરેટરને અરજી સાથે જરૂરી દસ્તાવેજ આપવાના રહેશે.
તમારે અરજીની સાથે સાથે નામ, સરનામું, પિતાનું નામ, આધાર કાર્ડ, મોબાઈલ નંબર, ઈ-મેલ આઇડી અને જમીન સાથેનો સંબંધ જેવી ડીટેલ આપવી પડશે. જમીનની વિગતોમાં સર્વે નંબર, જમીનનું સરનામું, જમીન માપન અને એકમ જેવી વિગતો આપવી પડશે.
તમારી અરજી મળતાંની સાથે જ ફિલ્ડ સર્વેની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. સર્વે પછી અરજી કરનારને તેની જાણકારી આપવામાં આવશે.
જંત્રીનું મહત્ત્વ કેટલું?
જંત્રીનો ઉપયોગ ઘણી જગ્યાએ કરવામાં આવે છે. બેન્કમાંથી લોન લેવા માટે, લોન ક્રેડિટનો સમયગાળો વધારવા માટે, કોન્ટ્રાક્ટર તરીકે રજિસ્ટર કરવા માટે, ઇન્કમટેક્સ ફાઇલ કરવા માટે, વિઝા મેળવવા માટે, આવકવેરા કે કૅપિટલ ગેઇનના ફાઈલિંગ માટે તેનો ઉપયોગ થાય છે.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.


















