Yugen Coffee Table Book Banner
Home Featured Consumer Corner ભારતવર્ષના સર્વશ્રેષ્ઠ પુરુષ અને અહિંસા – સત્યના આરાધક મહાત્મા ગાંધી આ બધામાં...

ભારતવર્ષના સર્વશ્રેષ્ઠ પુરુષ અને અહિંસા – સત્યના આરાધક મહાત્મા ગાંધી આ બધામાં કેન્દ્રબિંદુ રહ્યા

હે મારા પ્રભુ ! લોકોના મનમાં એવો ભાવ ભરો, જેનાથી તેઓ રાષ્ટ્રહિતને સ્વ-હિતથી ઉપર માને. - ડો. એ.પી.જે. અબ્દુલ કલામ

Raising Patriots Nurturing National Consciousness in Education

Estimated reading time: 4 minutes

YUGEN REALTY, SURAT

DR.daxesh thakar

હે મારા પ્રભુ ! લોકોના મનમાં એવો ભાવ ભરો, જેનાથી તેઓ રાષ્ટ્રહિતને સ્વ-હિતથી ઉપર માને. હે પ્રભુ ! લોકોને એવું વરદાન આપો જેનાથી તેઓ દિવસ-રાત કર્મ કરે, આ દેશને શાંતિ અને સમૃદ્ધિનો બાગ બનાવવા સાથે વિશ્વ-શાંતિ માટે પણ પ્રયાસ કરે.

ડો. એ.પી.જે. અબ્દુલ કલામ

ગુલામીની જંજીરોમાંથી આપણને મુકિત મળી. સ્વતંત્ર ભારતનો ઉદય થયો. સ્વતંત્રતાની એક નવી અને તાજી હવા સૌ ભારતીયો શ્વાસમાં લેતાં થયાં. ભારતનો ઝંડો વિશ્વનાં આકાશમાં લહેરાવા લાગ્યો. સૌના હૈયે આનંદ અને ઉમંગ છલકાવા લાગ્યો. આઝાદ થવા, સ્વતંત્ર થવા માટે દેશવાસીઓએ ઘણું વેઠયું. કોઈનો લાડકવાયો શહીદ થયો તો કોઈના કપાળનો ચાંદલો ભૂંસાયો. કોઈ સંતાને બાપની છત્રછાયા ગુમાવી પણ છેવટનું પરિણામ એ આવ્યું કે દેશ રાજકીય રીતે એક બન્યો. કમનસીબીના વાદળો વિખેરાયાં એ આપણાં સૌ માટે ઘણી મોટી, આપણી કલ્પનાથી પણ મોટી વાત હતી. ભારતવર્ષના સર્વશ્રેષ્ઠ પુરુષ અને અહિંસા – સત્યના આરાધક મહાત્મા ગાંધી આ બધામાં કેન્દ્રબિંદુ રહ્યા. લોકહૃદયમાં એ જ રીતે સ્થપાયા એ તો વિશ્વના ઈતિહાસનું સુવર્ણપૃષ્ઠ બન્યું છે. મહામૂલી સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા પછી ભારત વિશ્વની મહાસત્તા બનવા તરફ આગળ વધી રહયું છે. એ આપણા માટે અત્યંત ગૌરવપ્રદ બાબત છે. પણ ગૌરવ લીધા કરવું એક વાત છે અને ગૌરવ ટકાવ્યા કરવું તથા અપાવ્યા કરવું જરા જુદી વાત છે.

આપણા મૂર્ધન્ય સાક્ષર ઉમાશંકર જોષીએ કહ્યું હતું કે ‘આ દેશ તો આઝાદ થતાં થઈ ગયો, તે શું કર્યું ?’ વળીવળીને આ શબ્દો કાળજામાં પડઘાયા કરે છે. સૌ કોઈએ આ પ્રશ્ન પોતાની જાતને પૂછયા કરવાનો છે. પરાધીન સ્થિતિ હટી ગયા પછી આપણે શું કર્યું અને શું કરી રહ્યા છીએ? હું સ્પષ્ટપણે એવું માનું છું કે કંઈ  પણ મેળવવું સહેલું છે પણ એ મેળવ્યા પછી તેને ટકાવવું અઘરું છે. જે પ્રજા ઈતિહાસમાંથી બોધપાઠ નથી લેતી એ પ્રજાને એ ઈતિહાસ ફરી જીવવાની સજા ભોગવવી પડે છે. આપણે આપણી રાષ્ટ્રીય પ્રતિષ્ઠા મેળવવા માટે પ્રતિબદ્ધ  બનવું પડશે, નહિ તો રાષ્ટ્ર સામે ગંભીર જોખમ ઊભું થવામાં વાર નહિ લાગે. દેશવાસીઓએ એક બનવું પડશે અને નેક બનવું પડશે. જે માટીમાંથી આપણે પેદા થયા છીએ એ માટી પ્રત્યે અપ્રતિમ પ્રેમ દાખવવો પડશે. ઈરાદાઓ બુલંદ બનાવવા પડશે. બહારનાં આક્રમણો અને અંદરના વિખવાદોનો મકકમતાપૂર્વક સામનો કરવો પડશે. બંધારણની પવિત્રતા સાચવવાની સૌની ફરજ છે. સ્વતંત્રતા પ્રત્યે સૌએ આદર કેળવવો પડશે. દ્રઢતા  અને હિંમતથી ભાષાકીય, જાતીય કે પ્રાદેશિક સંકુચિતતાના પરિબળોને પરાસ્ત કરવા પડશે. સ્વતંત્રતાનો અર્થ સ્વચ્છંદતા નથી એ સમજવામાં ઉતાવળ કરવી પડશે. ભારતીય સંસ્કૃતિની ભવ્યતા, ઉજ્જવળ  પરંપરાઓ, સંસ્કૃતિ, સર્વધર્મ સમભાવ, દરિદ્રનારાયણની સેવા, વગેરે શ્રેષ્ઠ તત્વોનો બહોળો પ્રચાર- પ્રસાર કરી એને વધુ મજબૂતી પ્રદાન કરવી પડશે. કોઈ પણ દેશ મહાન બને છે એની પ્રજાને કારણે. લોકો મહાન બને એટલે આપોઆપ રાષ્ટ્ર અને સમગ્ર માનવજાત મહાન બને જ બને. જુલાઈ ૨૪, ૧૯૬૬ના દિવસે કનૈયાલાલ મુન્શીએ લખ્યું હતું; ‘આજે જ્યા  ભાષાકીય સંકુચિતતા સર્વત્ર પ્રસરી રહી છે, કાયદો અને વ્યવસ્થા વિષે કયાંય આદર દેખાતો નથી, સત્તાધારી પક્ષમાં અતંત્રતાએ મૂળ ઘાલ્યાં છે, ભાવો વધતા ચાલ્યા છે, અવાસ્તવિક નીતિઓને કારણે અર્થકારણ પડી ભાંગવા આવ્યું છે, આપણી મુશ્કેલીઓનો લાભ લેવા માટે તક શોધતા પાકિસ્તાન અને ચીન જેવા પડોશીઓના ડોળા આપણાં પર મંડાયેલા છે, સામ્યવાદીઓ લોકશાહી તંત્રોનો નાશ કરવાની

યોજના કરે છે,આપણો આંતરરાષ્ટ્રીય દરજજો પહેલા જેવો રહયો નથી, લોકોનું ખમીર ખૂટી ગયું છે અને જીવનને જીવવા જેવું બનાવે એવા મૂલ્યો તરફ આદર બતાવતો નથી. મારા આ દેશના ભાવિના વિચારે હું પણ કંપી ઉઠું છું.’

આપણે આ દિવસને ભવ્યતાથી ઉજવીએ પણ આ દેશ દિવ્યતા પ્રાપ્ત કરે એ માટે કાર્યશીલ બનીએ. સમસ્યાઓના ઉકેલ શોધીએ. દેશપ્રેમને આપણાં મનહૃદયમાં વધારે બળવત્તર બનાવીએ. કેમ કે, આપણું અસ્તિત્વ દેશના અસ્તિત્વથી સહેજ પણ જુદું નથી. શિક્ષકે સમાજના આધારરૂપ બનવું પડશે. રાષ્ટ્રની આખી ઈમારતના પાયામાં પોતે છે તેવો ભાવ ર્દઢ  બનશે તો ઉન્નત રાષ્ટ્રનો માર્ગ સુગમ બનશે. આપણું જીવન પણ રાષ્ટ્રીય જીવન છે, આપણું રાષ્ટ્ર એમ કહીએ તે માત્ર શબ્દાર્થની રીતે નહીં આપણા આત્મામાં તે ઊગવું જોઈએ. આપણી તમામ શક્તિઓ તેની તમામ પવિત્રતા સાથે કામે લાગી જવી જોઈએ. શિક્ષકે પોતાનાં  જીવનકાર્યને સિદ્ધ  કરવા આટલું તો કરવું જ પડશે.

દેશપ્રેમીઓને દેશની સ્વતંત્રતા માટે મરતાં આવડયું,આપણે દેશની સ્વતંત્રતાને ટકાવી રાખવા માટે જીવતાં શીખીએ. પ્રબળ રાષ્ટ્રપ્રેમ નવી પેઢીમાં ર્દઢ બને તેવું શિક્ષણ આપવાની શિક્ષકની જવાબદારી છે. રાષ્ટ્રચેતનાની જવલંત જ્યોત વિદ્યાર્થીનાં  મન હૃદયમાં જલવી જોઈએ. વિદ્યાર્થી રાષ્ટ્રને સમર્પિત થાય અને ‘રાષ્ટ્ર દેવો ભવ’ સૂત્ર પોતાનાં જીવનમાં સ્વીકારી તેને ચરિતાર્થ કરવા સમર્થ બને તે દિશામાં શિક્ષકે પોતાના ભાવજગતને સ્પંદિત કરવું આ સમયમાં અત્યંત આવશ્યક જણાય છે. આપણે પણ રાષ્ટ્રને સમર્પિત છીએ અને રાષ્ટ્રની અસ્મિતા જાળવવા અને વધારવા માટે પ્રતિબદ્ધ  છીએ તેવી પ્રતીતિ આપણે સમાજને ન કરાવી શકીએ? આપણામાં એવી સમર્થતા છે. સવાલનો સવાલ આપણી એ સમર્થતાને ઓળખવાનો અને ઓળખ્યા પછી તેને સક્રિય કરવાનો છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | LINKEDIN  

વધુ સમાચાર વાંચો :