Estimated reading time: 5 minutes
YUGEN REALTY, SURAT
3D પ્રિન્ટેડ હાઉસ શું છે?
3D પ્રિન્ટેડ હાઉસ અદ્યતન 3D કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડિઝાઇન અને કંસ્ટ્રક્ટ કરવામાં આવ્યું છે. આ સિસ્ટમથી બનેલા ઘરો તેમની ઝડપી બાંધકામ પ્રક્રિયા અને પરંપરાગત રીતે બાંધવામાં આવેલા બાંધકામો કરતાં વધુ ફાયદેમંદ સાબિત થાય છે એવું કહેવાય છે.
ભારતનું પ્રથમ 3D પ્રિન્ટેડ હાઉસ :
IIT-મદ્રાસના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સ્થપાયેલા સ્ટાર્ટઅપ ત્વસ્તા મેન્યુફેક્ચરિંગ સોલ્યુશન્સે ટ્રેડિશનલ કન્સ્ટ્રક્શનની મર્યાદાઓને વટાવીને ભારતના પ્રથમ 3D પ્રિન્ટેડ હાઉસની પહેલ કરી છે. નાણાપ્રધાન, નિર્મલા સીતારમણે, વિડિયો કોન્ફરન્સ દ્વારા ઘરનું ઉદ્ઘાટન કર્યું, તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ત્વસ્તાની માત્ર પાંચ દિવસમાં ઘર બનાવવાની ક્ષમતા ભારત સરકારના 100 મિલિયન ઘરો બનાવીને આવાસની જરૂરિયાતોને પૂરું કરવાની આશા બાંધે છે.
ભારતના પ્રથમ 3D પ્રિન્ટેડ હાઉસની ડિઝાઇન અને બાંધકામ પ્રક્રિયા :
ત્વસ્તા 3D પ્રિન્ટેડ હાઉસ બનાવવાની પ્રક્રિયા પરંપરાગત પદ્ધતિઓથી નોંધપાત્ર રીતે અલગ પડે છે, જેમાં બિલ્ડ-ટાઈમ, ઝીરો-વેસ્ટ કન્સ્ટ્રક્શન અને ઑપ્ટિમાઇઝ પ્રોડક્શન પર ભાર મૂકવામાં આવે છે. મોટા પાયે 3D સ્ટ્રક્ચર્સ બનાવવા માટે સક્ષમ વિશિષ્ટ કોંક્રિટ મિશ્રણનો ઉપયોગ કરીને સ્ટ્રક્ચર પ્રિન્ટ (બાંધકામ) કરવામાં આવે છે. આ મિશ્રણમાં લોઅર વૉટર-સિમેન્ટ રેશિઓ સાથે સામાન્ય સિમેન્ટનો સમાવેશ થાય છે, જે સામાન્ય બાંધકામ પ્રોજેક્ટ્સમાં વપરાતા પરંપરાગત કોંક્રિટથી વિપરીત મિશ્રણ અને પરિવહન દરમિયાન ઊર્જા વપરાશને અસરકારક રીતે ઘટાડે છે.

ત્વસ્તા મેન્યુફેક્ચરિંગ સોલ્યુશન્સે તેનું પોતાનું મટીરીયલ મિક્સ, સિમેન્ટ, રેતી, જીઓપોલિમર્સ અને ફાઇબરનો સમાવેશ કરીને એક્સ્ટ્રુડેબલ કોંક્રિટ વિકસાવ્યું છે. કંપની આ કાચા માલને મોટા હોપરમાં ભેળવીને અંતિમ મિશ્રણ તૈયાર કરે છે. ત્વસ્તા દીવાલોને નુકસાન પહોંચાડ્યા વિના વાયરિંગ અને પ્લમ્બિંગને સમાવવા માટે હોલો યુનિટ તરીકે 3D-પ્રિન્ટેડ સ્ટ્રક્ચરને કસ્ટમાઈઝડ રીતે ડિઝાઇન કરે છે.
ત્વસ્તાએ આ પ્રોજેક્ટ માટે સ્વદેશી કોંક્રિટ 3D પ્રિન્ટર વિકસાવ્યું છે. 3D હાઉસ પહેલનો ઉદ્દેશ્ય ભારતમાં પરવડે તેવા હાઉસિંગના પડકારોનો સામનો કરવા માટે મોટા પાયે કોંક્રિટ પ્રિન્ટીંગ ટેક્નોલોજીની શક્યતા અને કોસ્ટ-ઇફેક્ટિવનેસનું મૂલ્યાંકન કરવાનો છે. ત્વસ્તાની બાંધકામ પ્રક્રિયા સસ્ટેનેબલ મટીરીયલના ઉપયોગને પ્રાથમિકતા આપે છે, જે આ 3D પ્રિન્ટેડ ઘરોને માત્ર આર્થિક જ નહીં પરંતુ પર્યાવરણને અનુકૂળ પણ બનાવે છે. સ્થાનિક સામગ્રીનો ઉપયોગ કરીને, લાંબા-અંતરના કોંક્રિટ પરિવહનની જરૂરિયાતને દૂર કરવામાં આવે છે, પરિણામે કાર્બન એમિશનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે.
ચેન્નાઈમાં બનેલા ભારતના પ્રથમ 3D પ્રિન્ટેડ હાઉસની વિશેષતાઓ :
ત્વસ્તાનું પહેલું સ્ટ્રક્ચર IIT-મદ્રાસ કેમ્પસમાં હેબિટેટ ફોર હ્યુમેનિટીના ટેરવિલિગર સેન્ટર ફોર ઇનોવેશન ઇન શેલ્ટરના સહયોગથી બનાવવામાં આવેલું એક માળનું, 600 ચોરસ ફૂટનું ઘર છે. નોંધનીય છે કે આ ઘર માત્ર પાંચ દિવસમાં બનાવવામાં આવ્યું હતું. ત્વસ્તાના જણાવ્યા અનુસાર સ્ટાન્ડર્ડ 3D પ્રિન્ટર એક અઠવાડિયા કરતાં ઓછા સમયમાં 2,000-ચોરસ ફૂટનું ઘર બનાવી શકે છે જે સામાન્ય રીતે પરંપરાગત બાંધકામ માટે જરૂરી સમયના આઠમા ભાગનું છે. 3D પ્રિન્ટીંગ દરમિયાન નીકળતો વેસ્ટ પરંપરાગત મકાન પદ્ધતિઓ દ્વારા નીકળતા કચરાની સરખામણીમાં માત્ર ત્રીજા ભાગનો હોય છે.
ભારતમાં ત્વસ્તાના 3D પ્રિન્ટેડ હાઉસની કિંમત :
ત્વસ્તા મેન્યુફેક્ચરિંગ સોલ્યુશન્સે તેના 3D હાઉસને એફોર્ડેબલ હાઉસિંગ સોલ્યુશન તરીકે કાળજીપૂર્વક આયોજન અને ડિઝાઇન કર્યું છે. કંપનીએ ભારતનું પ્રથમ 3D પ્રિન્ટેડ હાઉસ માત્ર 21 દિવસમાં પૂર્ણ કર્યું. બેટર ઈન્ડિયાના એક અહેવાલ મુજબ, ત્વસ્તા દ્વારા 3D પ્રિન્ટેડ હાઉસ બનાવવાનો ખર્ચ રૂ. 5 લાખ થી રૂ. 5.5 લાખ સુધીનો છે, જે સ્ટાન્ડર્ડ 2BHK એપાર્ટમેન્ટની કિંમતના આશરે 20% જેટલો કે પાંચમા ભાગનો જ છે. વધુમાં, ત્વસ્તા ભારપૂર્વક જણાવે છે કે 3D પ્રિન્ટેડ ઘરના બાંધકામમાં ઓછો સમય લાગે છે, લેબર કોસ્ટ ઘટાડે છે અને મટીરીઅલનો બગાડ ઓછો થાય છે. ભારત જેવા દેશ માટે આ ટેક્નોલોજીના મહત્ત્વને ઓળખીને, ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ત્વસ્તા મેન્યુફેક્ચરિંગ સોલ્યુશન્સને ભંડોળ પૂરું પાડવામાં રસ દર્શાવ્યો છે.
કોંક્રિટ 3D પ્રિન્ટીંગના ફાયદા :
કોંક્રિટ 3D પ્રિન્ટીંગ ઘણા ફાયદા આપે છે, જેમ કે :
ઇકો-ફ્રેન્ડલી રો-મટીરીયલના ઉપયોગ દ્વારા કાર્બન ફુટપ્રિન્ટ ઘટાડે છે.
ઔદ્યોગિક વેસ્ટ અને રિસાયકલ મટીરીયલનો ઉપયોગ કરીને સસ્ટેનેબલ અને ગ્રીન બિલ્ડિંગનું નિર્માણ.
પરંપરાગત બાંધકામ પદ્ધતિઓની સરખામણીમાં અંદાજે 30%ની ખર્ચ બચત.
મેન્યુફેક્ચરિંગ માટે લીડ ટાઇમ નાબૂદ, પરિણામે ઝડપી બાંધકામ.
50 વર્ષથી વધુના આયુષ્ય સાથે ઉચ્ચ-ગુણવત્તાવાળી ઇમારતોનું નિર્માણ.
કોંક્રિટ 3D પ્રિન્ટીંગના ગેરફાયદા :
જ્યારે કોંક્રિટ 3D પ્રિન્ટીંગ નવીન છે, ત્યારે તેમાં કેટલીક ખામીઓ પણ છે, જેમ કે:
પરંપરાગત પદ્ધતિઓની સરખામણીમાં નોંધપાત્ર હાઈ પાવર યુસેજ
3D પ્રિન્ટરની મોંઘી કિંમત.
3D પ્રિન્ટીંગમાં વપરાતા મટીરીયલની મર્યાદિત ઉપલબ્ધતા.
સામૂહિક કસ્ટમાઇઝેશન માટે ધીમી પ્રક્રિયા.
સ્ટાયરીન અને કેપ્રોલેક્ટમ જેવા હાનિકારક રસાયણોનો ઉપયોગ, જેના પરિણામે લોહીના પ્રવાહમાં પ્રવેશી શકે તેવા અલ્ટ્રાફાઇન પદાર્થો નીકળે છે.
પ્લાસ્ટિકની બાય-પ્રોડક્ટ્સનું સર્જન.
યુઝર-ફ્રેડલીનેસનો અભાવ.
શું 3D પ્રિન્ટેડ હાઉસિંગ કટોકટીને હલ કરી શકે છે?
વર્લ્ડ ઇકોનોમિક ફોરમ અનુસાર, 2030 સુધીમાં, ત્રણ અબજ લોકોને સુધારેલા આવાસની જરૂર પડશે, જેમાં દરરોજ 96,000 નવા ઘરો બનાવવાની જરૂર પડશે. 3D પ્રિન્ટીંગ ટેક્નોલોજી પરંપરાગત બાંધકામ પદ્ધતિઓની તુલનામાં સમય અને ખર્ચના અંશમાં ઉચ્ચ ગુણવત્તાવાળા ઘરો બનાવી શકે છે. ત્વસ્તાનું 3D ઘર માત્ર પાંચ દિવસમાં બાંધવામાં આવ્યું હતું, જે સસ્તા અને ઝડપી હાઉસિંગ સોલ્યુશન્સ પ્રદાન કરવા માટે 3D પ્રિન્ટેડ કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીની ભવિષ્યની ક્ષમતા દર્શાવે છે. આ ટેક્નોલોજીથી પહેલાથી જ વિશ્વભરના લોકોના ઘરો બની ચૂક્યા છે, અને જો મોટા પાયે અમલ કરવામાં આવે તો તે લાખો લોકો માટે જરૂરી એવા ઘર બનાવી શકે છે.
ભારતનું પ્રથમ 3D-પ્રિન્ટેડ હાઉસનું કન્સ્ટ્રક્શન ઉદ્યોગમાં નોંધપાત્ર લેન્ડમાર્ક અને ઐતિહાસિક સફળતા છે. તેના કોસ્ટ-ઇફેક્ટિવ અને સસ્ટેનેબલ અભિગમ સાથે, આ ગ્રાઉન્ડબ્રેકિંગ ટેક્નોલૉજી હાઉસિંગ સેક્ટરમાં ક્રાંતિ લાવવાની ક્ષમતા ધરાવે છે, જે ભારતમાં અને દુનિયાભરમાં એફોર્ડેબલ હાઉસિંગનું મુશ્કેલ સમસ્યાનું નિવારણ કરી શકે તેમ છે.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.
યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | LINKEDIN | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE




















