YUGEN REALTY, SURAT
-ડો. દક્ષેશ ઠાકર
પર્વો અને તહેવારો માનવસમાજના સામૂહિક હર્ષોલ્લાસનાં પ્રતીક છે. તહેવારો માનસિક શક્તિ પણ વધારે છે. તહેવારો દ્વારા જ મનોયોગ થાય છે. સમાજનાં બધા સ્તરોમાં પર્વ અને તહેવારો આદિકાળથી પ્રવર્તમાન છે. સંસ્કૃતિના પ્રચારમાં એમનું ઘણું મહત્ત્વ છે. કલાને પણ તે અનેક રીતે પોષે છે.
-શારીરાજન્
આપણે ભારતીયો ઉત્સવપ્રિય લોકો. ઉત્સવ ટાણે મન પ્રફુલ્લિત રહે. મનના મોર ટહૂકા કરે. પરિવારજનો સ્વજનો સાથે આનંદની ઉજવણી-વહેંચણી થાય. દુઃખો કે સમસ્યાઓ ઘડીભર ભૂલાઈ જાય. દિવાળી તો પ્રકાશનું પર્વ. અંધકારને ઓગાળી દેવાનું અને અજવાસનું સામ્રાજ્ય સ્થાપવાનું પર્વ. કવિ મકરંદ મુસાળે સ્વયં અજવાસ બની જવાનું જણાવે છે :
“જોઉં છું કે કોણ રોકે છે તને, જા,
તું ફરીવળ ચોતરફ અજવાસ જેવું.”
અજવાળું ઉછી ઉધારનું ન ચાલે, પોતાનું હોવું જોઈએ. મોટા મોટા ગ્રંથો ન સમજાવી શકે એ વાત ક્યારેક એકાદ નાનકડું કાવ્ય સમજાવી દેતું હોય છે. કવિની અને તેની કલમે રચાયેલી કવિતાની એ તાકાત હોય છે. કવિ ભોગીલાલ ગાંધીનું એક નાનું અર્થસભર કાવ્ય નવા વર્ષની શુભકામનાઓ સ્વરૂપે આપને પ્રસ્તુત કરું છું. શક્ય છે અંદરના ભીડાયેલા કોઈના કમાડ આ કાવ્યનો અર્થ પામીને ખૂલી પણ જાય. કાવ્ય આ પ્રમાણે છેઃ
તું તારા દિલનો દીવો થા ને, ઓ રે ઓ રે ઓ ભાયા!
રખે કદી તું ઉછીનાં લેતો, પારકાં તેજ ને છાયા;
એ રે ઉછીનાં ખૂટી જશે ને, ઊડી જશે પડછાયા…
કોડિયું તારું કાચી માટીનું, તેલ-દિવેટ છુપાયાં,
નાની-શી સળી અડી ન અડી, પરગટશે રંગમાયા…
આભમાં સૂરજ, ચંદ્રને તારા, મોટા મોટા તેજરાયા,
આતમનો તારો દીવો પેટાવવા, તું વિણ સર્વ પરાયાં,
ઉછીનું કે ઉધારનું લીધું હોય તે બહુ લાંબો સમય કામ આવતું નથી. છેવટ સુધી તો પોતાનું હોય તે જ સાથ આપે છે. ઘરનાં આંગણે દીવો પ્રગટાવીએ છીએ તે તો એક પ્રતીક છે. ખરેખર તો આત્માનો દીવો આપણે પ્રગટાવવાનો છે. એ જો એક વાર પ્રગટી ગયો તો પછી મજો જ મજો. બધું જ ઝળહળ ઝળહળ! એટલે તો આપણાં શાસ્ત્રોમાં કહ્યું છે :

‘આત્મ દીપો ભવ.’
અલબત્ત આ કામ અઘરું છે. બહારનો દીવો જેટલી સરળતાથી પ્રગટાવી શકાય એટલી સરળતાથી અંદરનો દીવો પ્રગટાવી શકાતો નથી. શ્રેષ્ઠ હોય, ઉત્તમ હોય એ અઘરું જ હોવાનું, પણ શ્રેષ્ઠ, ઉત્તમ હોય તેમ કામ અઘરું હોવા છતાં કરવા જેવું ખરું. આત્મસંતોષ પણ અઘરાં અને શ્રેષ્ઠ કામ ક૨વાથી જ પ્રાપ્ત થાય છે. કામ કરતી વખતે આપણું મન પરિણામરૂપી ફળ તરફ દૃષ્ટિ કરતું હોય છે એટલે કામ કરતી વખતે કામ કર્યાનો પ્રાપ્ત થતો આનંદ પણ આપણે ગુમાવી દઈએ છીએ. ગીતાકારે તેથી તો કહ્યું છે :
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन ।
मा कर्मफलहेतुर्भूर्मा ते संगोस्त्वकर्मणि ॥
(અર્થાત્ તારો કર્મમાં જ અધિકાર છે, ફળમાં કદી નથી; તું કર્મફળના હેતુવાળો ન થા; તેમજ કર્મ ન કરવામાં તારી આસક્તિ ન થાઓ.)
જીવનમાં, વિવિધ પ્રકારના સંબંધોમાં અને અનેક પરિસ્થિતિઓમાં આપણે આત્માના પ્રગટેલા દીવાના પ્રકાશથી વર્તવું જોઈએ. એમ વર્તવાથી એક અદભુત વિશ્વ આપણી સમક્ષ પ્રગટતું જશે. આપણી અંદર જ પ્રેમનો, શાંતિનો, આનંદનો સંચાર થવા લાગશે. જિંદગીનો પરમ અને સર્વોચ્ચ ઉદ્દેશ પણ આ જ છે. પ્રતિકૂળતાઓ, સમસ્યાઓ, દુઃખોનું અંધારું અંદર દીવો પ્રજ્વલિત થવાની સાથે આપોઆપ દૂર થઈ જશે. એક જુદા જ પ્રકારની ઊર્જા અને એક જુદા જ પ્રકારની ચેતનાનો, જિંદગીની પાર વિનાની શક્યતાઓનો એથી અનુભવ થશે. આપણું અને આપણી આસપાસની વ્યક્તિઓનું જીવન એથી વધારે સુખ, શાંતિ અને આનંદરૂપ બનશે. નવા વર્ષે આપણાં સ્નેહનું બંધન વધારે મજબૂત બને એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના સાથે આપની જીવનયાત્રા પ્રકાશમય બને એ જ અભ્યર્થના, એ જ શુભકામના, એ જ શુભભાવના!!
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.
યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | LINKEDIN | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE

















