Estimated reading time: 3 minutes
YUGEN REALTY, SURAT
મુંબઈમાં એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીના પુનર્વિકાસનું કામ ગૌતમ અદાણીની કંપનીને મળ્યું છે. અદાણી ગ્રૂપે આ ઝૂંપડપટ્ટીના લાયક રહેવાસીઓને 350 ચોરસ ફૂટના નવા ફ્લેટ ઓફર કરવાનું નક્કી કર્યું છે. અદાણી ગ્રૂપ મહારાષ્ટ્ર સરકાર સાથે મળીને ધારાવીનો પુનઃવિકાસ કરી રહ્યું છે. આ ગ્રૂપનો દાવો છે કે ધારાવીમાં રહેતા લોકોને જે ફ્લેટ આપવામાં આવી રહ્યા છે, તે રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધી આપવામાં આવેલા ફ્લેટ કરતાં 17 ટકા વધુ છે. આ ગ્રૂપે એક નિવેદનમાં જણાવ્યું હતું કે નવા ફ્લેટમાં રસોડું અને શૌચાલય પણ હશે. અગાઉ અનૌપચારિક વસાહતોના રહેવાસીઓને 269 ચોરસ ફૂટના મકાનો આપવામાં આવતા હતા. રાજ્ય સરકારે વર્ષ 2018થી તેમને 315-322 ચોરસ ફૂટના મકાનો આપવાનું શરૂ કર્યું છે.
અદાણી ગ્રૂપને નવેમ્બર 2022માં એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીનાં પુનઃનિર્માણનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. ગ્રૂપ કંપની ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રાઈવેટ લિમિટેડ (DRPPL) એ આ પ્રોજેક્ટના પ્લાનિંગ અને ડિઝાઈનિંગ માટે ગ્લોબલ ટીમોની ભરતી કરવાનું શરૂ કર્યું છે. તેણે અમેરિકન ડિઝાઇનિંગ કંપની સાસાકી, બ્રિટિશ કન્સલ્ટન્સી ફર્મ બુરો હેપોલ્ડ અને આર્કિટેક્ટ હાફીઝ કોન્ટ્રાક્ટર સાથે હાથ મિલાવ્યા છે. સાસાકી અને બુરો હેપોલ્ડ શહેરી આયોજન અને એન્જિનિયરીંગ ક્ષેત્રે જાણીતી કંપનીઓ છે. આ સાથે સિંગાપોરના નિષ્ણાતો પણ પ્રોજેક્ટ ટીમ સાથે જોડાયેલા છે.
સિંગાપોરમાંથી પ્રેરણા
નવેમ્બર 2022માં, અદાણીની રિઅલ એસ્ટેટ ડેવલપમેન્ટ કંપની અદાણી પ્રોપર્ટીઝે ધારાવીના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે સૌથી મોટી બિડ ભરી હતી. DRPPLમાં અદાણી ગ્રૂપનો 80 ટકા હિસ્સો છે અને મહારાષ્ટ્ર સરકાર પાસે 20 ટકા હિસ્સો છે. અદાણી પ્રોપર્ટીઝે આ માટે રૂ. 5,069 કરોડની બિડ ભરી હતી. ધારાવી લગભગ 600 એકરમાં ફેલાયેલું છે અને એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી છે. સાસાકી પાસે 70 વર્ષનો અનુભવ છે, જ્યારે બુરો હેપોલ્ડ સર્જનાત્મક અને મૂલ્ય આધારિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન્સ માટે જાણીતા છે. તેવી જ રીતે, કોન્ટ્રાક્ટર મુંબઈમાં સોશિયલ હાઉસિંગ અને સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી પ્રોજેક્ટ માટે જાણીતા છે.
તાજેતરમાં ડીઆરપીપીએલના પ્રવક્તાએ કહ્યું હતું કે ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માત્ર રિડેવલપમેન્ટ પ્લાન નથી અમારો હેતુ ધારાવીમાં રહેતા લોકોની ગુણવત્તા સુધારવાનો પણ છે. અમે આમાં કોઈ કસર છોડવા માંગતા નથી. સિંગાપોર આ પ્રોજેક્ટ માટે પ્રેરક તરીકે કામ કરશે. 1960ના દાયકામાં સિંગાપોરની સ્થિતિ આજની ધારાવી જેવી હતી, પરંતુ આજે સિંગાપોર સમગ્ર વિશ્વ માટે એક ઉદાહરણ છે. ધારાવીમાં 8.5 લાખથી વધુ લોકો રહે છે. એટલે કે અહીં પ્રતિ ચોરસ કિલોમીટર 354,167 લોકો રહે છે. તે વિશ્વનો છઠ્ઠો સૌથી ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે. તેમાં ગુજરાત, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના લોકો રહે છે. અહીં 6,000 થી વધુ નાના અને મધ્યમ એકમો કાર્યરત્ છે.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.














